ખાખરાથળ ગામમાં શેઢાની તકરારના સમાધાનમાં વૃધ્ધને ધમકી
– ચાર શખ્સ સામે પોલીસ ફરિયાદ
– પરિવારજનોને જાતિ અપમાનિત કરી, હાથ-પગ ભાંગી નાખવા ધમકી આપી
સુરેન્દ્રનગર : થાન તાલુકાના ખાખરાથળમાં વૃધ્ધની જમીનના શેઢે પાડોશીએ મકાન બનાવી નાંખતા થયેલી તકરારના સમાધાન માટે વૃધ્ધ પરિવારજનો સાથે વાડીએ ગયાં હતાં.
તે દરમિયાન ૪ વ્યક્તિઓએ વૃધ્ધ તેમજ તેમના પરિવારજનોને જાતિ અપમાનિત કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતા વૃધ્ધે થાન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
થાન તાલુકાના ખાખરાથળ ગામે રહેતા કાનાભાઇ ગોવિંદભાઇ પરમારની ખાખરાથળની સીમમાં આવેલ વાડીના શેઢે આવેલા વાડ કાઢી નાંખી પડોશી ખેતરના માલિકે ત્યાં મકાન બનાવી નાંખતા બંનેે ખેતર માલિકો વચ્ચે તકરાર ચાલતી હતી.
આથી આ તકરારમાં સમાધાન માટે કાનાભાઈ તેમના પરિવારજનો સાથે વાડીએ સમાધાન માથે ગયાં હતાં .
દરમિયાન પડોશી વાડીના માલિક નરશીભાઇ મોહનભાઇ સારદીયાના પત્ની, નકુભાઇ મોહનભાઇ સારદીયા, સંજયભાઇ હકાભાઇ સારદીયા અને હકાભાઇ મોહનભાઇ સારદીયા સહીતનાઓએ કાનાભાઇ તેમજ તેમના પરિવારજનોને અપશબ્દો બોલી હાથ પગ ભાંગી નાંખી જાતિ પ્રત્યે અપમાનિત કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
આથી આ મામલે કાનાભાઇએ કુલ ૪ વ્યક્તિઓ વિરૃધ્ધ થાન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસની હાથ ધરી છે.