વાહનચાલકોને મુશ્કેલી : વઢવાણ ધોળપોળના ચોકમાં સર્કલ તૂટેલું, તેમાંય વચ્ચે પાણીનો વાલ લીકેજ
રસ્તા પર પાણી આવતા રાહદારીઓ, ચાલકોને હાલાકી, રિપેરીંગની માંગણી
વઢવાણ ધોળીપોળ દરવાજા સામે મુખ્ય ચોકમાં જ તૂટેલા સર્કલના કારણે લોકો પરેશાની ભોગવી રહ્યા છે.
આ સર્કલની અંદર જ પાણીનો વાલ લીકેજ રહેતા રસ્તા પર પાણી આવતા રાહદારીઓ, વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડતો હોવાની રાવ ઊઠી છે.
સુરેન્દ્રનગર શહેર સહિત તેમજ ગ્રામ્ય પંથકના પ્રવેશદ્વાર સમાન વઢવાણ ધોળીપોળ વિસ્તાર આવેલો છે.
આ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ ના હોવાના કારણે દુકાનદારો, રહીશો સહિતના લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
શહેરના ધોળીપોળ દરવાજા સામેના જ ચોકમાં સર્કલ આવેલું છે.
આ સર્કલ છેલ્લા ઘણા સમયથી એકબાજુથી તૂટી ગયું છે.
જેના કારણે આ સર્કલથી આવન જાવન કરનારા વાહનચાલકો અને રાહદારીઓને હાલાકી વેઠવી પડતી હોવાથી પરેશાન બન્યા છે.
આટલું ઓછું હોય તેમ આ સર્કલની અંદર વચ્ચોવચ્ચ જ એક પાણીનો વાલ આવેલો છે.
આ વાલમાંથી પણ ઘણા સમયથી પાણી લીકેજ રહેતા વારંવાર રસ્તા પર પાણી નીકળી જાય છે.
આથી શહેરના મુખ્ય એવા આ ધોળીપોળ ચોકના સર્કલ, વાલ રિપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવે તેવી લોકમાંગ ઊઠવા પામી હતી.