ધ્રાંગધ્રામાં આધારકાર્ડની કામગીરી માટે અરજદારોની લાંબી લાઈન
ટોકન પ્રથાના લીધે અરજદારોના વહેલી સવારે ટોકન માટે ઉજાગરા
રાજ્યમાં આધાર કાર્ડ ફરજિયાત હોવાના લીધે હવે દરેક નાગરિકને પોતાની ઓળખ માટે આધાર કાર્ડ જરૂરી બન્યું છે.
દેશના નાગરિકત્વ માટે આધાર કાર્ડ સરકારી દસ્તાવેજ માફક દરેક સ્થળે ઉપયોગ થઈ રહ્યું છે .
આધારકાર્ડ વારંવાર અપડેટ કરવાના લીધે હવે લોકોને આ આધારકાર્ડ માથાના દુ:ખાવા સમાન સાબિત થયું છે.
ત્યારે ધ્રાંગધ્રા ખાતે આધાર કાર્ડ કાઢવા માટે અને અપડેટ માટે ત્રણથી ચાર સ્થળો પર કામગીરી થાય છે .
જેમાં સેવા સદન, પોસ્ટ ઓફિસ, ગ્રામીણ બેંક અને તાલુકા પંચાયત કચેરી ખાતે આધાર કાર્ડ સુધારા માટે પોઇન્ટ આપવામાં આવ્યા છે.
પરંતુ આ ચારેય સ્થળોમાંથી વર્તમાન સમયમાં માત્ર ત્રણ સ્થળો પર જ આધારકાર્ડ ની કગિરી થઈ રહી છે.
જેમાં એકાદ બે સ્થળો પર ઈન્ટરનેટની માથાકુટ હોવાથી અરજદારોને કલાકો સુધી ઊભા રહેવું પડે છે.
જ્યારે શહેરના પોસ્ટ ઓફિસ ખાતે ચાલતી આધારકાર્ડની કામગીરીમાં ટોકન પ્રથા મુજબ કામ કરવામાં આવે છે .
જેમાં સવારે 7:00 વાગ્યે ટોકન આપી બાદમાં જે પ્રમાણે ટોકન નંબર આવે તે પ્રમાણે અરજદારનું કામ થાય છે .
પરંતુ આ ટોકન લેવા માટે અરજદારોને સવારે 4 વાગ્યાથી લાઈનમાં ઊભા રહેવું પડતું હોવાનું સામે આવ્યું છે .
જેમાં ગ્રામ્ય વિસ્તારના અરજદારો પોતાના કામ ધંધા છોડી વહેલી સવારે પોતાના નાના ભૂલકાઓને લઈને અહી લાઈનમાં અડગ ઊભા રહે છે .
એમાંય જો કોઈ લાઈન છોડીને જરાપણ ક્ષણભર માટે દૂર જઈ પરત આવે કે તરત જ માથાકુટ ઊભી થાય છે.
જેના લીધે આ સામાન્ય લોકોને ખુબજ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
જેથી ધ્રાંગધ્રા ખાતે આધારકાર્ડ કેન્દ્રોમાં વધારો કરવામાં આવે તો વહેલી સવારથી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી લોકોને છુટકારો મળે તેવી લોકોમાં માંગણી પણ ઉઠવા પામી છે.