Villages Farmers Not Get Water Due To Incomplete Canal Work Wadhwan Kharawa Road
વઢવાણ ખારાવા રોડ પરની કેનાલના અધૂરા કામથી ૧૦ ગામના ખેડૂતોને પાણી મળતું નથી
પાણી ચાલુ નહીં કરાય તો મુખ્ય કેનાલના દરવાજા બ્લોક કરવાની ચીમકી ઉચ્ચારાઈ
સુરેન્દ્રનગરના વઢવાણ ખારવા રોડ પર કેનાલ બનાવવા એક વર્ષ કામ પહેલા કરાયું હતું.
જેમા અધૂરા કામને લઇ હજુ પાણી ન મળી શકતા ખેડૂતોને મુશ્કેલી થઇ રહી છે.
હાલ શિયાળુ પાકના વાવેતર માટે પિયતનું પાણી કેનાલોમાં ન આવતા આગેવાનો અને અધિકારીઓ પાસે ખેડૂતોના દોડ્યા પણ પાણી ન આવતા 10થી વધુ ગામના 1 હજારથી વધુ ખેડૂતો પરેશાન છે.
સુરેન્દ્રનગરના વઢવાણ ખારવા રોડ પર એલડી-2 વઢવાણ ખારવા વાઘેલા કેનાલનું કામ આગેવાનો દ્વારા એક વર્ષ પહેલા કરવામાં આવ્યું હતું.
તે વખતે ખેતરોમાં ખેડૂતોને સીધુ પાણી કેનાલ મારફત મળશે તેવી વાત કરાઇ હતી.
પરંતુ આ કેનાલના કામો હજુ અધૂરા રહેતા ખેડૂતોને પાણી મળતું નથી.
જેના કારણે ખેડૂતોને પિયત માટે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
ત્યારે વઢવાણ ખારવા રોડ પર બનેલી કેનાલમાં અધૂરું કામ હોવાથી હાલ તે ઠેરઠેર બિસમાર બની ગઇ છે અને બાવળો ઊગી નીકળવા સાથે હજુ પાણી મળતું નથી.
આથી તાલુકાના 10 ગામોના 1000થી વધુ ખેડૂતને પાણીનો પ્રશ્ન ઊભો થયો છે.
આથી રોષે ભરાયેલા ખેડૂતો કેનાલે એકત્ર થયા અને પાણીની માંગ સાથે જણાવ્યું હતું કે અમોને ચૂંટણી વખતે મોટામોટા વાયદા કરાયા હતા.
હાલ ફોન કરીએ તો નર્મદાના અધિકારી કે આગેવાન ફોન ઉપાડતા નથી.
અધૂરા કામ અને અપૂરતા પાણીના કારણે શિયાળુ પાક વળીયારી, જીરૂ, અજમો જેવું વાવેતર થતું નથી.
અગાઉ પાણી ન મળતા પાક સૂકાતા હોવાની પણ સમસ્યા થાય છે.
જો ખેડૂતોને પાણી ચાલુ નહીં કરાય તો આંદોલનનો માર્ગ અપનાવવો પડશે અને જરૂર પડશે તો મુખ્ય કેનાલના દરવાજા બ્લોક કરવાની ચીમકી આપી હતી.