સુરેન્દ્રનગરમાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ખાતે “મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબૂદી” અભિયાન અન્વયે કાર્યક્રમ યોજાયો
સુરેન્દ્રનગર જિલ્લામાં મહિલા અને બાળ અધિકારીના માર્ગદર્શન હેઠળ “સંકલ્પ” હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન યોજના અંતર્ગત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય – ગઢાદ ખાતે “મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબૂદી” અભિયાન અન્વયે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
DHEW ટીમ દ્વારા સાયબર સેફટી, સાયબર ક્રાઈમ, સોશિયલ મીડીયાનો ઉપયોગ અંગે વિદ્યાર્થિનીઓને માહિતગાર કરવા અર્થે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા મિશન કોર્ડીનેટર જલ્પાબેન ચંદેશરા દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.
તેમજ કાર્યક્રમનો હેતુ સ્પષ્ટ સમજાવવામાં આવ્યો હતો.
સાયબર ક્રાઈમ પી.આઇ. બી.સી.છત્રાલીયા દ્વારા સાયબર ક્રાઈમ અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.
મહિલા પોલીસ સ્ટેશનના પી.આઇ. વિહોલ દ્વારા સોશિયલ મીડીયાનો ઉપયોગ, સાયબર સેફટી અંગે માહિતી આપવામાં આવી હતી.
અત્રે નોંધનીય છે કે, દિકરીઓનું જન્મ પ્રમાણ વધારવુ, શિક્ષણ સ્તરમાં સુધારો અને મહિલા સશક્તિકરણના ઉદેશ્ય સાથે મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગાંધીનગર દ્વારા મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબૂદી અભિયાન અંતર્ગત જુદાજુદા સ્થળોએ જનજાગૃતિ કાર્યક્રમો દ્વારા લોકોમાં જાગૃતતા લાવવાનાં સફળ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.