મોંઘવારીનો માર : શાકભાજી, ખાદ્યતેલ સહિતની વસ્તુઓના ભાવ વધ્યા મધ્યમ વર્ગીય પરિવારોને ઘર ચલાવવું બન્યું મુશ્કેલ
શાકભાજીનો ઉતારો ઘટતાં ભાવમાં 15 ટકાથી વધુનો ભાવવધારો જોવા મળ્યો
ધ્રાંગધ્રા શહેરમાં શાકભાજીની આવક ઘટતા 15 ટકાથી વધુનો ભાવ વધારો નોંધાયો છે.
ખાસ કરીને હાલમાં વડોદરા, સુરત, અમદાવાદ સહિતના વિસ્તારોમાંથી શાકભાજી મંગાવી અને ત્યારબાદ વહેલી સવારે ચરમરીયા ગ્રાઉન્ડ અને માર્કેટમાં વેચાણ કરવામાં આવી રહ્યું છે.
જ્યારે ધ્રાંગધ્રા પથકના ખેડૂતો દ્વારા શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું છે.
પરંતુ તેનું સમયસર ઉત્પાદન ન આવતા હાલમાં લસણના પ્રતિ કિલોના 300 તેમજ ડુંગળી, બટાકા, ટામેટાના પણ પ્રતિ કિલોના ભાવ રૂ.50ની બહાર પહોંચી ચૂક્યા છે.
જ્યારે ગૃહિણીઓને પોતાનું બજેટ ખોરવાઈ ગયું છે.
બીજી તરફ ખાદ્યતેલ ભાવોમાં પણ વધારો નોંધાયો છે.
સીંગતેલ તેમજ કપાસિયા અને પામોલિનના ભાવમાં વધારો થયો છે.
ત્યારે ધ્રાંગધ્રાની બજારમાં સિંગતેલના 2400 રૂપિયા પ્રતિ ડબ્બાના થઈ ગયા છે.
તો પામોલીન તેલના ભાવમાં પણ વધારો થયો છે. અને કપાસિયા તેલના ભાવ પણ આસમાને પહોંચી ચૂક્યા છે.
નાના વર્ગના માણસો અને મધ્યમ વર્ગીય પરિવારને મોંઘવારીનો માર છે. શાકભાજીથી લઈ ખાદ્ય તમામ વસ્તુઓના ભાવો વધી રહ્યા છે.
આ અંગે રંજનબેન, સરોજબેન અને હંસાબેને જણાવ્યું કે શિયાળામાં શાકભાજીના ભાવ ઘટે છે.
ત્યારે આ વર્ષે ઘટવાને બદલે ભાવ વધારો થયો છે. તેને લઈને શાકભાજી ખરીદવું મુશ્કેલ બન્યુ છે.