લખતર નજીક વેપારીનું ડૂબવાથી મોત : નર્મદા કેનાલ બહાર સાલ અને ચપ્પલ જોઈ શંકા પડી , ફાયર બ્રિગેડે લાશ કાઢી , પોસ્ટમોર્ટમ માટે ખસેડાઈ
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાંથી પસાર થતી નર્મદાની કેનાલમાં છાસવારે લાશો મળી આવવાના બનાવો તેમજ કેનાલમાં ડુબી જવાના બનાવો સામે આવી રહ્યા છે.
ત્યારે આજે લખતર રેલવે સ્ટેશન રોડ પર આવેલી નર્મદાની મુખ્ય કેનાલમાં એક પુરુષનું ડુબી જવાથી મોત થયાનું સામે આવ્યું છે.
લખતર ખાતે બંસી એગ્રો ધરાવતા મુસ્તુભાઈ ઉસ્માનભાઈ કેનાલમાં નહાવા જતાં પગ લપસી જતાં કેનાલના પાણીમાં ગરકાવ થયા હતા.
ત્યારે રાહદારીઓ દ્વારા કેનાલની બહાર સાલ અને ચપ્પલ જોતા કેનાલમાં કોઈ પડ્યું હોવાનું જણાઇ આવતાં ઘટનાની જાણ સુરેન્દ્રનગર ફાયર બ્રિગેડને કરવામાં આવતા સુરેન્દ્રનગર ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.
લખતર પોલીસ અને લખતર મામલતદાર સહિત તાલુકાના અધિકારીઓ તથા ગ્રામજનોના ટોળેટોળાં ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
મહા મુસીબતે ફાયર તથા સ્થાનિક તરવૈયાઓની મદદથી મુસ્તુભાઈની લાશને કેનાલના પાણીમાંથી શોધી કાઢી પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી .
લાશને કેનાલમાંથી બહાર કાઢ્યા બાદ પીએમ અર્થે લખતર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામા આવી હતી.