યુપી : આગ્રા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
આગ્રાના ખેરિયા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં જ સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ હતી.
એરપોર્ટની સુરક્ષા તાત્કાલિક વધારી દેવામાં આવી હતી. આ સાથે એરપોર્ટ પર ચેકિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું હતું.
આ ધમકી સીઆઈએસએફને મેલ પર આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે આ અગાઉ થોડા દિવસ પહેલા તાજમહેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી.
સોમવારે સવારે 11:56 વાગ્યે એક ઈમેલ મળ્યો
એસીપી મયંક તિવારીએ આ અંગે વાત કરતાં કહ્યું હતું કે,
‘આગ્રા એરપોર્ટ પર સીઆઈએસએફને સોમવારે સવારે 11:56 વાગ્યે એક ઈમેલ મળ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે, એરપોર્ટ પરિસરના બાથરૂમમાં બોમ્બ મૂકવામાં આવ્યો છે.
બોમ્બ ડિસ્પોઝલ ટીમને એરપોર્ટ પરિસરમાં મોકલવામાં આવી હતી. જ્યાં ટીમ દ્વારા સઘન શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
પરંતુ કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું.’
શોધખોળમાં કંઈપણ શંકાસ્પદ ન મળ્યું
આગ્રા એરપોર્ટના ડાયરેક્ટર યોગેન્દ્ર સિંહ તોમરે જણાવ્યું કે,
‘એરપોર્ટ પરિસરમાં આશરે બે કલાક સુધી સઘન શોધખોળ કરવામાં આવી હતી પરંતુ અહીંથી કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી.
આ ઈમેલ કોણે મોકલ્યો તેની તપાસ કરવામાં આવી રહી છે. ‘