સુરેન્દ્રનગર જિલ્લામાં ખનિજ ચોરી મુદ્દે સરપંચ- તલાટીને સસ્પેન્ડ મામલે વ્હાલા દવલા ની નીતિ
બે સરપંચને સસ્પેન્ડ અને તલાટીઓની બદલી બાદ તંત્ર પાણીમાં બેસી ગયું
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ, સાયલા અને મૂકી ખાતે થતાં ગેરકાયદેસર કોલસા ખનન સામે હવે તંત્ર પણ ઘૂંટણિયે પાડી ગયું હોય તેવું સામે આવ્યું છે.
વર્ષ 2023માં જિલ્લાની આશરે બે હજાર કોલસાની ખાનીને કરોડોના ખર્ચે પૂરવાની કામગીરી હાથ ધરાઇ હતી.
જે બાદ થોડા સમયમાં જ ફરીથી ખાણો ધમધમવા લાગી હતી.
જ્યારે વર્તમાન સ્થિતિની જો વાત કરીએ તો હાલમાં પણ તમામ સ્થળોએ કોલસાની ગેરકાયદેસર ખાણો યથાવત છે.
જેમાં દરરોજ કરોડો રૂપિયાનું ખનિજ ચોરી કરાઈ છે પરંતુ ખનિજ વિભાગ માત્ર એકાદ બે સ્થળોએ દરોડા કરી પોતાની કવીરી દર્શાવે છે.
ત્યારે અગાઉ સુરેન્દ્રનગર જીલ્લા વિકાસ અધિકારી અને કલેકટર દ્વારા જે ગામમાં ખનિજ ચોરી ઝડપાઈ તે ગામના સરપંચને સસ્પેન્ડ અને તલાટીની બદલી કરવાની એટલે કે જે ગામની હદમાં ખનિજ ચોરી થતી હોય તે ખનિજ ચોરીના સીધા સરપંચને જવાબદાર ઠેરવે તે પ્રકારનો નિર્ણય લેવાયો હતો .
જોકે આ બાદ મૂળી તાલુકાના ભેટ અને થાનગઢ તાલુકાના વેલાળા ગામના સરપંચને સસ્પેન્ડ પણ કરાયા હતા.
પરંતુ આ ઘટના બાદ અનેક ગામોમાં દરોડા થયા અને તે બાબતની પોલીસ ચોપડે ફરિયાદ પણ નોંધાઇ છે.
છતાં જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સરપંચને સસ્પેન્ડ કરવાની કામગીરી હાથ નથી ધરી .
જ્યારે હાલમાં જ ખનિજ વિભાગે છેલ્લા એક અઠવાડિયામાં લગભગ સાતેક સ્થળોએ દરોડા કર્યા હતા .
પરંતુ આ તમામ ગામના સરપંચોને માત્ર નોટિસ આપી સંતોષ માનતા અધિકારીઓ હવે સસ્પેન્ડ મામલે પાણીમાં બેસી ગયા હોય તેવું સ્પષ્ટ રીતે નજરે તરી રહ્યું છે