થાન જીએસપીસી ની લાઇનમાંથી ગેસ ચોરીના કૌંભાડમાં ૨ ઉદ્યોગકારની ધરપકડ , રૂ. ૧.૬૫ કરોડનો દંડ
આ ગુનામાં જીએસપીસીના કર્મચારીની ધરપકડ કરવામાં આવી હતી
થાન પંથકમાં મોટી સંખ્યામાં ઔદ્યોગિક એકમો આવેલા છે. જેમાં મોટા પ્રમાણમાં ગેસનો ઉપયોગ થાય છે.
ત્યારે થાનમાં જીએસપીસીની લાઈનમાંથી ગેસ ચોરીનું કૌભાંડમાં 2 ઉદ્યોગકાર અંકિતભાઈ ધીરજભાઈ ભલાણી, ભુપતભાઈ ગોંવિદભાઈ પટેલને ઝડપી પાડ્યા હતા.
પોલીસે આ આરોપીઓના 2 દિવસના રિમાન્ડ પર વધુ તપાસનો ધમધમાટ શરૂ કરાતા થાન પંથકમાં ગેસની ચોરી કરતા તત્વોમાં પણ ફફડાટ ફેલાયો છે.
થાનમાં 240 જેટલા કારખાના આવેલા છે. જેમાં સિરામિકને લગતી જુદી જુદી ચીજવસ્તુઓ બનાવવામાં આવે છે.
અનેક લોકો રોજીરોટી આ ઉદ્યોગથી મેળવી રહ્યા છે.
આ થાનમાં આવેલા કારખાનાઓમાં દૈનિક 2 લાખ કિલોનો ગેસનો વપરાશ થાય છે.
પરંતુ ગેસ લાઇનમાંથી જ ગેરકાયદે કનેકશન આપી ગેસની ચોરી થતી હોવાનો કૌભાંડ બહાર આવ્યું હતું.
જેમાં થાન પોલીસે 2 ઉદ્યોગકારની ધરપકડ કરતા ચકચાર ફેલાઇ છે.
આ કૌભાંડના ગુનામાં જીએસપીસીના ભરત નામના કર્મચારીની ધરપકડ કરવામાં આવી હતી જે હાલ જેલમાં છે.
જ્યારે જીએસપીસીની મુખ્ય લાઈનમાંથી સીધી લાઈન લઇ સ્નોસેરા સિરામિકમાં ચોરી કરવાનો ભાંડો ફૂટતા રૂ. 1.65 કરોડનો દંડ ફટકાર્યો હતો.
ત્યારબાદ ગુજરાત ગેસની મેઇન લાઈનમાં ગેરકાયદે કનેક્શન મેળવી પોતાના સ્નોસેરા સિરામિકમાં ગેસનું વપરાશ કરી ગુનો કરતા 2 આરોપી સામે થાન પોલીસમાં ગુનો નોંધાયો હતો.
આ બનાવમાં આરોપીઓ છેલ્લા 4 માસથી નાસતા ફરતા હતા.
ત્યારે જિલ્લા પોલીસવડા ડો.ગિરિશ પંડ્યા, ડીવાયએસપી વી.એમ.રબારી સૂચનાથી થાન પીઆઈ વી.કે.ખાંટ તેમજ એમ.એમ. કલોતરા, સુરેશકુમાર એમ. દુધરેજીયા સહિતના સ્ટાફે આ બનાવમાં મૂળ પાટડી તાલુકાના નાના ગોરૈયાના અને હાલ સુરેન્દ્રનગર 80 ફૂટ પર રહેતા 37 વર્ષના અંકિતભાઈ ધીરજભાઈ ભલાણી અને મૂળ દૂધરેજના અને હાલ સુરેન્દ્રનગર 80 ફૂટ રોડ પર રહેતા ભુપતભાઈ ગોંવિદભાઈ પટેલને ઝડપી પાડ્યા હતા.
આ આરોપીઓને પકડીને કોર્ટમાંથી 2 દિવસના રિમાન્ડ મેળવીને આગળની વધુ તપાસ હાથ ધરી હતી.