લખતરમાં પાણી મુદ્દે આગ : રહિશોએ કહ્યું, તપાસના ખેલ બહુ થયા હવે ઉકેલ શોધો
પાણી સમિતિ, વાસ્મોની ટીમ અને ટીડીઓની તપાસમાં અમુક નળ કોરાં જણાઇ આવ્યા
લખતરમાં વાસ્મોની નબળી કામગીરીની તપાસમાં ગયેલા અધિકારીઓ અને પદાધિકારીઓને રહીશોએ દિવસે તારા દેખાડી દીધા હોય તેવો ઘાટ લખતરમાં સર્જાયો હતો.
જ્યાં રહીશોએ તપાસમાં ગયેલી ટીમનો ઉધડો હતો.
જ્યારે તપાસમાં પાણી સમિતિના મોટાભાગના સદસ્યો ગેરહાજર રહેતા સવાલો ઉભા થયા છે.
લખતરમાં વાસ્મો યોજના હેઠળ શહેરને પાણી પુરૂ પાડવા માટે અંદાજે એક કરોડના ખર્ચે પાણીની લાઈન નાંખવામાં આવી છે.
આ કામગીરી નબળી હોવાની રજૂઆત કામગીરીની શરૂઆતથી જ ઉઠી રહી છે.
ત્યારે એક ફૂટે લાઈન નાંખેલી હોવાથી લાઈનો તૂટતાં લીકેજ થઈ રહી છે.
જેથી છેવાડાના વિસ્તારને પાણી ન મળતું હોવાનું જણાવી કૌભાંડની આશંકા વ્યક્ત કરી હતી.
જેને લઇને વાસ્મોની ટીડીઓ અને ડીડીઓ સાથે બેઠક રદ થઈ હતી.
ત્યારબાદ તા.13-12-2024ના રોજ ટીડીઓ અને વાસ્મોના અધિકારી તેમજ પાણી સમિતિના ગણ્યા ગાંઠ્યા સદસ્ય શહેરનાં અમુક વિસ્તારોમાં કામગીરીની તપાસ માટે ગયા હતા.
જ્યાં મફતિયાપરામાં લોકોએ પોતાનો પરચો બતાવ્યો હતો અને ઉધડો લીધો હતો.
આવા તપાસના ખેલ બહુ થયા પણ હવે પાણી આપો ની માંગ સાથે રહીશોએ તપાસ કરવા આવેલાને ઘેરી લેતા દિવસે તારા દેખાઈ ગયા હતા.
અમુક ઘરોમાં નળોમાં પાણી ન આવતું જોવા મળ્યું.
ટીડીઓ આ અંગે લખતર તાલુકા વિકાસ અધિકારી એસ.આર.ત્રિવેદીએ જણાવ્યું કે, અમોએ ટીમ સાથે લખતરનાં ભૈરવપરા, મફતિયાપરા વિગેરે વિસ્તારની રૂબરૂ મુલાકાત લીધી.
ત્યારે કોઈક વિસ્તારમાં પાણી ઓછું મળવા તો કેટલાક વિસ્તારોમાં પાણી ન મળવા જેવા પ્રશ્નો રહેવાસીઓ દ્વારા રજૂ થયા હતા.
જ્યારે અમુક વિસ્તારમાં એક ઘરે પાણી ન મળતુ હોય અને બાજુના ઘરે પાણી પૂરતું મળતું હોય તો તે લાઇનનો પ્રશ્ન ન હોય પરંતુ કનેક્શન નો પ્રશ્ન હોવાની શક્યતા રહે. અને કેટલાક ઘરોમાં પાણી નહોતું આવતું તે પણ જોવા મળ્યું હતું.