સમૂહલગ્નની ખુશી માતમમાં છવાઈ, મરણચીસોથી ગૂંજી ઉઠ્યો હાઇવે : છ મૃતકોના નામની યાદી જાહેર
ગુજરાતનાં નેશનલ હાઇવે પર સતત અકસ્માતો વધી રહ્યા છે. ત્યારે આજે વહેલી સવારે ભાવનગર-સોમનાથ હાઇવે પર ત્રાપજ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રસ્તાની બાજુમાં પાર્ક કરેલા ટ્રેલરની પાછળ ખાનગી ટ્રાવેલ્સ બસ ઘૂસી જતાં 6 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 15 વધુ લોકોને ઇજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્તોને તળાજા અને ભાવનગર સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.આ ટક્કર એટલી ભયાનક હતી કે બસની એક બાજુનો કચ્ચરઘાણ વળી ગયો હતો. તો બીજી તરફ બસના પતરા કાપીને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા.
મૃતકો તથા ઇજાગ્રસ્તોની યાદી
રક્તરંજિત બન્યો ભાવનગર સોમનાથ હાઇવે
પ્રાપ્ત માહિતી અનુસાર ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર ત્રાપજ નજીક વહેલી સવારે 6:00 કલાકના સુમારે હાઇવે પર રેતી ભરેલા ડમ્પરની પાછળ ધડાકાભેર બસ ઘૂસી ગઇ હતી. આ ટ્રાવેલ્સ સુરત ખાતે સમુહલગ્નમાં હાજરી આપી ઉના પરત ફરી રહી હોવાનું જાણવા મળ્યું છે. આ ગમખ્વાર અકસ્માત સર્જાતા હાઈવે મુસાફરોની ચીચીયારીઓથી ગુંજી ઉઠ્યો હતો.
ગમખ્વાર અકસ્માતના પગલે બસમાં સવાર છ લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 16થી વધુ લોકોને ઈજા થતાં સારવાર અર્થે તળાજા અને ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. દર્દીઓને ઘસારાને પગલે ટ્રોમા સેન્ટરમાં વધારાનો નર્સિંગ સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે. હાલમાં મળી રહેલી માહિતી અનુસાર વધુ છ દર્દીઓ તળાજાથી ભાવનગર લાવવામાં આવી રહ્યા છે.
જોકે ઇજાગ્રસ્તો પૈકી અમુકની હાલત પણ હજુ ગંભીર મનાઈ રહી છે. જેના કારણે હજુ પણ મૃત્યુઆંક વધે તેવી શક્યતા જણાઈ રહી છે. બીજી તરફ અકસ્માતના પગલે સ્થાનિક પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
સ્થાનિક નેતાઓ-પોલીસ ઘટનાસ્થળે
જ્યારે બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસ, નેશનલ હાઈવે ઓથોરિટીનો સ્ટાફ તથા 108 એમ્બ્યુલન્સ સહિતનો મસમોટો કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો. તો બીજી તરફ બનાવની જાણ થતા જ નજીકના ગ્રામ્ય વિસ્તારો તથા ભાવનગર શહેર અને જિલ્લાના સ્થાનિક રાજકીય અને સામાજિક અગ્રણીઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા અને રાહત અને બચાવ કામગીરી કરી હતી.
ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી સતત સંપર્કમાં
ભાવનગર તળાજા હાઈવે પર વહેલી સવારે અકસ્માત થી સર્જાયેલી કરુણાંતિકાની કેન્દ્રીય રાજ્યમંત્રી અને ભાવનગર સાંસદ નીમુબેન બાંભણીયા જાણ થતાં ભાવનગર સર.ટી હોસ્પિટલના સ્ટાફને ફટાફટ જાણ કરી હતી. આ ઉપરાંત ઈજાગ્રસ્ત લોકોને ઝડપી સારવાર માટે જે પણ કરવું પડે તે કરવાં સૂચના આપી અને કલેક્ટર સાથે સતત સંપર્કમાં છે. તંત્રને સજાગ કરી અકસ્માત સ્થળ પર પહોંચવા અને બનતી તમામ મદદ પુરી પાડવાની સુચના આપી દીધી છે.
ત્રાપજ નજીક ગમખ્વાર કરુણાંતિકા લઈ સરકારી તંત્ર, સર.ટી હોસ્પિટલ સ્ટાફ, તળાજા ની હોસ્પિટલ સ્ટાફ, ધારાસભ્યશ્રીઓ અને સંગઠનના હોદ્દેદારો સાથે સંપર્ક સાધ્યો છે અને તમામને બનતી મદદ કરવા કહેલ છે…
મૃતકોના પરિવાર સાથે મારી સંવેદના છે અને ઈજાગ્રસ્ત લોકોને ઝડપથી સારવાર મળે એવા પ્રયત્નો… pic.twitter.com/2b3ieAQAvi
— Nimuben Bambhania (@Nimu_Bambhania) December 17, 2024
મનસુખ માંડવિયાએ ટેલિફોનિક વાતચીત કરી
ભાજપ નેતા મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, તેમણે સ્થાનિક તંત્ર સાથે ટેલિફોનિક વાતચીત કરીને ઈજાગ્રસ્તોને જરૂરી સારવાર મળી રહે તે માટે સૂચના આપી છે.
ભાવનગરના ત્રાપજ પાસે થયેલ ગમખ્વાર અકસ્માતના સમાચાર મને મળ્યા છે. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને ત્વરિત જરૂરી સારવાર મળી રહે તે માટે સ્થાનિક તંત્ર સાથે ટેલીફોનીક વાતચીત કરી સૂચના આપેલ છે. અકસ્માતના તમામ હતભાગી પરિવારને સાંત્વના પાઠવું છું અને ક્ષેમકુશળ માટે પ્રાર્થના કરું છું.
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) December 17, 2024
