ભરતી પરીક્ષાને લઈને મોટા સમાચાર : એનટીએ(નેશનલ ટેસ્ટિંગ એજન્સી) પાસેથી જવાબદારી છીનવાઈ, માળખું પણ બદલાશે
NEET UG 2024 અને UGC NETમાં ગેરરીતિઓ સામે આવ્યા પછી, કેન્દ્ર સરકારે NTAની કાર્યશૈલી સુધારવા અને તેના દ્વારા આયોજિત પ્રવેશ પરીક્ષાઓના પારદર્શક, સરળ અને ન્યાયી સંચાલનને સુનિશ્ચિત કરવા માટે એક સમિતિની રચના કરી હતી. આ સમિતિએ ઘણા સુધારાની ભલામણ કરી હતી, જેને ધ્યાનમાં લેતા નેશનલ ટેસ્ટિંગ એજન્સી(NTA)ની કામગીરીમાં સુધારો કરવા માટે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે.
કેન્દ્રીયમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ભરતી પરીક્ષાઓ બાબતે કરી જાહેરાત
કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને મંગળવારે જાહેરાત કરી હતી કે, ‘વર્ષ 2025થી, NTA માત્ર ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે પ્રવેશ પરીક્ષાઓ જ લેશે. NTA આવતા વર્ષથી ભરતી પરીક્ષાઓ આયોજિત કરશે નહીં. નવા વર્ષે NTAનું પુનર્ગઠન કરવામાં આવશે. પરીક્ષા એજન્સીમાં 10 નવી જગ્યાઓ બનાવવામાં આવશે.’
PM @narendramodi ji’s govt. is making vigorous efforts to make India a 21st century knowledge economy. Press briefing on the transformations in our educational landscape. https://t.co/KbNRNzXp6p
— Dharmendra Pradhan (@dpradhanbjp) December 17, 2024
તેમજ કેન્દ્રીય મંત્રીએ વધુમાં કહ્યું કે, ‘સરકાર નજીકના ભવિષ્યમાં કોમ્પ્યુટર આધારિત પરીક્ષા અને ટૅક્નોલૉજી આધારિત પ્રવેશ પરીક્ષા તરફ આગળ વધવા માંગે છે. મેડિકલ એન્ટ્રન્સ માટે NEET UG પરીક્ષા પેન-પેપર મોડમાં જ આયોજિત કરવી કે કેમ તે અંગે આરોગ્ય મંત્રાલય સાથે વાતચીત ચાલી રહી છે.’
કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ વર્ષમાં માત્ર એક જ વાર લેવાશે
CUET UG દ્વારા દેશની 260થી વધુ યુનિવર્સિટીઓ જેમ કે DU, BHU, જામિયા, અલ્હાબાદ યુનિવર્સિટીના સ્નાતક અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવી શકાય છે. આ અંગે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પણ સ્પષ્ટ કર્યું કે કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ (CUET) UG વર્ષમાં માત્ર એક જ વાર લેવામાં આવશે.
તેમણે કહ્યું, ‘2025માં એજન્સીનું પુનર્ગઠન કરવામાં આવશે, જે અંતર્ગત ઓછામાં ઓછી દસ નવી પોસ્ટ બનાવવામાં આવી રહી છે. કામમાં કોઈ ભૂલો ન થાય તે માટે NTAની કામગીરીમાં ઘણા ફેરફારો કરવામાં આવશે.’
NTA પર આ પરીક્ષાઓની એન્ટ્રન્સની હતી જવાબદારી
જો NTA દ્વારા આયોજિત કરવામાં આવતી ભરતી પરીક્ષાની વાત કરીએ તો તેમાં NEET, JEE Main, UGC NET, CSIR UGC NET, CUET UG and PG, AIAPGET, NEFT અને CMATનો સમાવેશ થાય છે.