સરપંચનું પદ ગ્રહણ કર્યું : ચુડાના સસ્પેન્ડેડ સરપંચે વર્ષ પછી ગામ મુખીયાનો પદભાર સંભાળ્યો.
દબાણ દૂર નહીં કરવાની બાબતે સરપંચને સસ્પેન્ડ કરાયા હતા.
ચુડા ફાનસ ચોકમાં ગુલાબ મમાણીએ અભરામભાઈ સિપાઈની જમીન અને ચાલવાના માર્ગ ઉપર ગેરકાયદે બાંધકામ કરી મકાન ઉભુ કરી દીધું હતું.
સ્થાનિક રહીશ સુરેશભાઈ રાવળદેવ અને બીજલભાઈ રાવળદેવે રસ્તા ઉપર ખડકેલું બાંધકામ દૂર કરવા ગ્રામ અને તાલુકા પંચાયત કચેરીએ રજૂઆત કરી હતી.
તાલુકા વિકાસ અધિકારીએ દબાણ દૂર કરવા સરપંચ કનૈયાલાલ વાણિયાને સૂચના આપી હતી.
પરંતુ સરપંચે દબાણ દૂર કરાવ્યું નહોતું.
જેના કારણે જિલ્લા વિકાસ અધિકારીએ ગત ડિસેમ્બર મહિનામાં કનૈયાલાલને સરપંચ પદથી સસ્પેન્ડ કરાયા હતા.
કનૈયાલાલ વાણિયાએ સરપંચ પદ પાછું મેળવવા ગાંધીનગર સહિત અલગ અલગ કચેરીઓમાં અપીલ કરી હતી.
ગાંધીનગર ખાતે તા.30-1, 27-2, 24-9 અને 19-11-2024ના રોજ હાજર રહેલા બન્ને પક્ષકારોને સાંભળ્યામાં આવ્યા હતા.
અધિક વિકાસ કમિશનર ડો.ગૌરવ દહિયાએ વિવાદી કનૈયાલાલની અરજી અંશતઃ ગ્રાહ્ય રાખી હતી.
પ્રતિવિવાદી જિલ્લા વિકાસ અધિકારીના નિર્ણયને રદબાતલ કરી કનૈયાલાલને ફરીથી ચુડા ગ્રામ પંચાયતનો હોદ્દો સોંપવા આદેશ કર્યો હતો.
સોમવારે કનૈયાલાલ વાણિયાએ 1 વર્ષ પછી ફરીથી ચુડા સરપંચનું પદ ગ્રહણ કર્યું હતું.