ઊંઝા એપીએમસી માં દિનેશ પટેલનો દબદબો : ખેડૂત વિભાગમાં ભાજપના પાંચ ઉમેદવારો હાર્યા
એપીએમસીની હાઇવોલ્ટેજ ચૂંટણીનું પરિણામ સામે આવ્યું છે. ખેડૂત વિભાગની 10 અને વેપારી વિભાગની 4 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. કુલ 14 બેઠકો માટે સરેરાશ 98 ટકા મતદાન થયું હતું. જેના પરિણામો મંગળવારે (17 ડિસેમ્બર) સામે આવ્યા છે. ખેડૂત વિભાગની મતગણતરીના અંતે ભાજપે મેન્ડેટ આપેલા 10માંથી 5 અને પાંચ અપક્ષ ઉમેદવારોની જીત થઈ છે. નોંધનીય છે કે, ભાજપના મેન્ડેટવાળા પાંચ તેમજ જીતેલા પાંચ અપક્ષ ઉમેદવારોને APMCના પૂર્વ ચેરમેન દિનેશ પટેલનો ટેકો હતો. તેથી કહી શકાય કે, દિનેશ પટેલના દસે દસ ઉમેદવારોની ભવ્ય જીત થઈ છે અને ધારાસભ્ય કિરીટ પટેલની પેનલના તમામ ઉમેદવારોની કારમી હાર થઈ છે. જોકે, વેપારી વિભાગની મતગણતરી હવે શરુ થશે.
ઊંઝા APMCમાં ખેડૂત વિભાગના વિજેતા ઉમેદવારની યાદી
મેન્ડેડ ઉમેદવાર
અંબાલાલ પટેલ
કનુભાઈ પટેલ
ધીરેન્દ્ર કુમાર પટેલ
પ્રહ્લાદભાઈ પટેલ
ભગવાનભાઈ પટેલ
અપક્ષ ઉમેદવાર
બળદેવભાઈ પટેલ
રાજેન્દ્રકુમાર પટેલ
લીલાભાઈ પટેલ
શૈલેષભાઈ પટેલ
જયંતીભાઈ પટેલ
ભાજપના પાંચ ઉમેદવારોની કારમી હાર
ઊંઝા એપીએમસી ચૂંટણીમાં આજે 10 રાઉન્ડમાં મત ગણતરી કરાઈ હતી. જોકે, ગણતરીની શરુઆતથી જ પૂર્વ ચેરમેન દિનેશ પટેલની પેનલ આગળ હતી. જોકે, ભાજપે મેન્ડેટ આપેલાં જે પાંચ ઉમેદવારોને દિનેશ પટેલનું સમર્થન નહતું તેમની કારમી હાર થઈ છે. આ પરિણામો પરથી સાબિત થાય છે કે, ખેડૂત વિભાગની પેનલમાં દિનેશ પટેલનો દબદબો કાયમ રહ્યો છે.
ખેડૂત વિભાગનું પરિણામ સામે આવ્યા બાદ દિનેશ પટેલની પેનલના ઉમેદવારો અને સમર્થકોએ ફટાકડા ફોડીને જીતની ઉજવણી કરી હતી. એપીએમસીની ચૂંટણીના પરિણામ આવ્યા બાદ જાણે દિવાળી જેવો માહોલ બની ગયો હતો.