ટીમ ઈન્ડિયાને ઝટકો, દિગ્ગજ સ્પિનર અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ ની કરી જાહેરાત
ગાબા ટેસ્ટ ડ્રો ગયા બાદ ટીમ ઈન્ડિયાના દિગ્ગજ સ્પિનર આર.અશ્વિને પણ ભારતના ક્રિકેટ જગતના ચાહકોને જોરદાર ઝટકો આપતાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ જગતમાંથી નિવૃત્તિનું એલાન કરી સૌને ચોંકાવી દીધા.
38 વર્ષની વયે નિવૃત્તિ
મહાન સ્પિનર રવિચંદ્રન અશ્વિને નિવૃત્તિની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા છે. 38 વર્ષની વયે દિગ્ગજ સ્પિનરે આ નિર્ણય કર્યો હતો. બોર્ડર ગાવસ્કર ટ્રોફી વચ્ચે તેનો આ નિર્ણય ટીમ ઈન્ડિયા માટે એક મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.
Jai Hind 🇮🇳. pic.twitter.com/Vt4ZdvDEDX
— Ashwin 🇮🇳 🧢 (@ashwinnravi99) December 18, 2024
પ્રેસ કોન્ફરન્સમાં શું બોલ્યો અશ્વિન
રવિચંદ્રન અશ્વિને પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, “આજે મારો આંતરરાષ્ટ્રીય ક્રિકેટર તરીકેનો છેલ્લો દિવસ હતો. એક આંતરરાષ્ટ્રીય ક્રિકેટર તરીકે હું હવે આ રમત સાથે જોડાયેલો નહીં રહું. પરંતુ હું ચોક્કસપણે આ રમત સાથે કોઈને કોઈ રીતે જોડાયેલો રહીશ.” અશ્વિને તેની એક્સ પોસ્ટ પર લખ્યું, “ઘણા વિચાર કર્યા પછી, મેં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે. અવિસ્મરણીય ક્ષણોથી ભરપૂર, ભારતનું પ્રતિનિધિત્વ કરતી મારી અત્યાર સુધીની સફર અવિશ્વસનીય રહી છે. મારા સાથી ખેલાડીઓ, કોચ, બીસીસીઆઈ અને સૌથી અગત્યનું ચાહકોને તેમના અતૂટ સમર્થન માટે આભાર. નવા પડકારો મારી રાહ જોઈ રહ્યા છે, પરંતુ ટેસ્ટ ક્રિકેટ હંમેશા મારા હૃદયમાં વિશેષ સ્થાન જાળવી રાખશે.
આઈપીએલમાં રમતો દેખાશે!
287 આંતરરાષ્ટ્રીય મેચ રમનાર રવિચંદ્રન અશ્વિન ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં જોવા નહીં મળે. જો કે, તે હજુ પણ IPL રમવાનું ચાલુ રાખશે. ચેન્નાઈ સુપર કિંગ્સ એટલે કે CSKએ તેને 9.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. જો તે 2025માં સારું પ્રદર્શન કરશે તો ચેન્નાઈની ટીમ તેને ફરીથી જાળવી શકે છે.
અશ્વિનની આંતરરાષ્ટ્રીય કારકિર્દી
ઓફ સ્પિનરઅશ્વિને ટીમ ઈન્ડિયા માટે કુલ 287 મેચ રમી છે. જેમાંથી તેણે 106 ટેસ્ટ મેચમાં કુલ 537 વિકેટ લીધી છે. તેને 200 ઇનિંગ્સમાં બોલિંગ કરવાની તક મળી. તે 37 વખત પાંચ વિકેટ ઝડપવામાં સફળ રહ્યો છે, જ્યારે 8 વખત તે મેચમાં 10 કે તેથી વધુ વિકેટ લેવામાં સફળ રહ્યો છે. તેની શ્રેષ્ઠ બોલિંગમાં 59 રનમાં 7 વિકેટ અને મેચમાં 140 રનમાં 13 વિકેટ છે. આ સાથે જ તેણે 116 વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં 156 વિકેટ લીધી છે. અશ્વિનને વનડે ક્રિકેટમાં ક્યારેય પાંચ વિકેટ મળી નથી. T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પણ તે એક વખત પણ પાંચ વિકેટો ઝડપી શક્યો નથી. તેણે 65 મેચમાં 72 વિકેટ ઝડપી હતી.