રાજકોટની યુવતીએે લગ્ન માટે દબાણ કરતા તાંત્રિકે હત્યા કરી હતી
– નગ્માની હત્યામાં વપરાયેલી કુહાડી અને છરી નવલના ઘરમાંથી કબજે લેવાઇ
– વાંકાનેર પોલીસે નવસિંહની પત્નીને સાથે રાખી વઢવાણ સ્થિત ઘરની તપાસ હાથ ધરી
સુરેન્દ્રનગર : વઢવાણનાં તાંત્રિક ભુવા નવલસિંહ ચાવડા દ્વારા ૧૨ વ્યક્તિઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હોવાની ચોંકાવનારી કબુલાત બાદ નવલસિંહ દ્વારા રાજકોટની નગ્મા નામની યુવતીને મોતને ઘાટ ઉતારી વાંકાનેર નજીક તેની લાશ દફનાવી દીધી હતી.
આ મામલે પોલીસે નવલસિંહની પત્નીની પણ ધરપકડ કરી હતી અને વઢવાણ સ્થિત નવલસિંહના રહેણાંક મકાનમાં તપાસ હાથ ધરી કુહાડી અને છરી સહીતના હથિયારો કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી.
અમદાવાદ ખાતે રહેતા મુળ વઢવાણના તાંત્રીક ભુવા નવલસિંહ ચાવડાએ સરખેજ પોલીસ મથકે સુરેન્દ્રનગર, વઢવાણ, વાકાનેર, રાજકોટ, અંજાર, અમદાવાદમાં પોતાના પરિવારના ૩ વ્યક્તિ સહીત કુલ ૧૨ વ્યક્તીની હત્યાની કબુલાત કરી હતી.
ત્યાર બાદ ગત તા.૦૮ ડિસેમ્બરના રોજ તાંત્રિક ભુવા નવલસિંહ ચાવડાનું પણ મોત નીપજ્યું હતું. નવલસિંહના મોત બાદ સરખેજ પોલીસ સહિતની અલગ-અલગ જિલ્લાની પોલીસ ટીમે સંયુક્ત તપાસ હાથ ધરી હતી.
જેમાં નવલસિંહની પત્ની સોનલબેન ચાવડા, જીગર ગોહિલ, શક્તિરાજ ચાવડાની સંડોવણી હોવાનું બહાર આવતા તેમની વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી અને વધુ તપાસ દરમિયાન રાજકોટ ખાતે રહેતી નગમાની હત્યા નીપજાવી તેની લાશને વાંકાનેરના ધમલપર ગામ પાસે દાટી દીધી હોવાની કબુલાત મૃતક નવલસિંહે કરી હતી.
આથી વાંકાનેર પોલીસે નવલસિંહની પત્ની સોનલબેનને સાથે લાવી વઢવાણ ખાતેના નિવાસ સ્થાને નગમાબેનની હત્યા સંદર્ભે તપાસ હાથધરી હતી જેમાં મકાનમાં તપાસ કરતા નગમાની હત્યામાં ઉપયોગમાં લેવાયેલ કુહાડી અને છરી સહિતના હથિયારો કબજે કર્યા હતા.
વાકાંનેર પોલીસના જણાવ્યા મુજબ ઉપયોગમાં લેવાયેલા કટર અમદાવાદ ખાતેના નિવાસ સ્થાને હોવાની આશંકાઓને ધ્યાને લઈ આગામી દિવસોમાં ત્યાં પણ તપાસ હાથ ધરવામાં આવશે.