ધ્રાંગધ્રા સંસ્કારધામ ગુરુકુળ ખાતે ૯ માં વાર્ષિક પાટોત્સવ નિમિતે કથા પારાયણનું આયોજન .
સ્વામિનારાયણ સંપ્રદાય દરેક ક્ષેત્રે હંમેશા આગળ હોય છે. ખાસ કરીને સ્વામિનારાયણ સંપ્રદાયનો સૌથી મહત્વનો ભાગ ગુરુકુળ છે આ ગુરુકુળમાં દરેક વર્ગ અને સમાજના બાળકો અભ્યાસ કરે છે અને તમામ બાળકોને એક સમાન શિક્ષણ અને સંસ્કાર આપવામાં આવતા હોય છે. સ્વામિનારાયણ ગુરુકુળમાં અભ્યાસ કરતા બાળકોને પાઠયપુસ્તકના જ્ઞાન સાથે ભક્તિનું પણ જ્ઞાન આપવામાં આવે છે જે ગુરુકુળના દરેક વિધાર્થીઓ માટે જીવનમાં સફળતા માટે મહત્વનું પાસું સાબિત થાય છે. જેના લીધે સ્વામિનારાયણ સંપ્રદાયનો દેશ અને વિદેશમાં પણ ડંકો વાગી રહ્યો છે. ત્યારે ધ્રાંગધ્રા – હળવદ હાઈવે પર આવેલા સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ ખાતે આગામી દિવસોમાં ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. ધ્રાંગધ્રા સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળના 9મા પાટોત્સવની ઉજવણીના ઉપક્રમે તારીખ 25થી 29 ડિસેમ્બર સુધી કથા પારાયણનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમની રૂપરેખા જોઈએ તો 25 ડિસેમ્બરના રોજ સવારે પોથીયાત્રા, સાંજે બાળમંચ, 26 ડિસેમ્બરના રોજ સવારે યુવામંચ, 27 ડિસેમ્બરના રોજ બપોરે મહિલામંચ, સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમો, 28 ડિસેમ્બરના રોજ રાત્રીના સમયે કિર્તનભક્તિ તથા 29 ડિસેમ્બરના રોજ સવારે રકતદાન કેમ્પનું પણ આયોજન કરાયું છે. આ સાથે 25થી 29 ડિસેમ્બર સુધી શ્રીમદ સત્સંગીજીવન પારાયણ કથાનું રસપાન પણ કરવામાં આવશે.
જ્યારે 29 ડિસેમ્બરના રોજ બપોરના સમયે દિવ્ય અને ભવ્ય શાકોત્સવ પણ ઉજવાશે જ્યારે સંસ્કારધામ ગુરુકુળ ખાતે યોજાનાર ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં મહાનુભાવોમાં શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા, સાંસદ ચંદુભાઈ શિહોરા, પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે.જાડેજા, ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા જ્યારે અતિથિ વિશેષ તરીકે જિલ્લા પોલીસ વડા ડો.ગીરીશકુમાર પંડ્યા, જીલ્લા વિકાસ અધિકારી રાજેશભાઈ તન્ના, જાણીતા ઉધોગપતિ જયેશભાઈ પટેલ(ઓમેક્ષ કોટસ્પિન), હસમુખભાઇ પટેલ (રામકૃષ્ણ કોટસ્પિન), મહેશભાઈ પટેલ(સરદાર ગ્રુપ) સહિતના હાજરી આપશે. ત્યારે સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ ખાતે દિવ્ય અને ભવ્ય કાર્યક્રમોને નિહાળવા સાથે રૂપાળા ઘનશ્યામ મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કરવા મોટી સંખ્યામાં હરિભક્તો હાજરી આપે તે માટે પૂજ્ય રામકૃષ્ણ સ્વામી દ્વારા અપીલ પણ કરાઈ છે.