બંગાળના ભાંગરમાં ફરી હિંસા ભડકી
ISF કાર્યકરો અને પોલીસ વચ્ચે અથડામણ, વાહનોમાં તોડફોડ અને આગ
પશ્ચિમ બંગાળના ભાંગર વિસ્તારમાં ફરી હિંસક પરિસ્થિતિ સર્જાઈ છે. ઈન્ડિયન સેક્યુલર ફ્રન્ટ (ISF)ના કાર્યકરોને કોલકાતા તરફ મશાલ રેલી લઇ જવામાં રોકવામાં આવ્યા, જેને લઈ સ્થિતિ તંગ બની ગઈ. રેલી રોકાતાં કાર્યકરો ભડકી ઉઠ્યા અને પોલીસ સાથે ઘર્ષણ થયું.
પોલીસના વાહનોને નુકસાન, બાઇકમાં આગ
વિડિઓઝમાં જોવા મળ્યું કે એક પોલીસ વાહનને નુકસાન પહોંચાડાયું છે અને અનેક બાઇકો સળગી ઉઠી હતી. પોલીસને સ્થિતિ નિયંત્રણમાં લેવા માટે બળપ્રયોગ કરવાનો વારો આવ્યો.
વકફ સુધારા કાયદા વિરોધે પ્રદર્શન
પ્રાપ્ત માહિતી અનુસાર, વકફ સુધારા કાયદાના વિરોધમાં કોલકાતા આવતી ISF કાર્યકરોની બસોને રસ્તામાં અટકાવવામાં આવી હતી. જેના કારણે ઉગ્ર વિરોધ થયો. માલદા, મુર્શિદાબાદ સહિત અનેક જિલ્લાઓમાં પણ આ કાયદાના વિરોધમાં હિંસા જોવા મળી છે.
રાજકીય ઘર્ષણ પણ તેજ
હિંસા માટે તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપે એકબીજાને જવાબદાર ઠેરવ્યા છે. બંને પક્ષો એકબીજાની ઉપર હિંસા ભડકાવાનો આરોપ મૂકી રહ્યાં છે.
