દક્ષિણ કેલિફોર્નિયામાં 5.2ની તીવ્રતાનો ભૂકંપ, લોસ એન્જલસ સુધી અનુભવાયા આંચકા
સોમવારના રોજ દક્ષિણ કેલિફોર્નિયામાં 5.2 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના ઝટકા સાન ડિયેગોથી લઈને લોસ એન્જલસ સુધી અનુભવાયા. ખાસ કરીને સાન ડિયેગોની પર્વતીય વિસ્તારમાંથી પથ્થરો ખસતાં રસ્તાઓ પર પડ્યા હતા. ઘરોમાંની વસ્તુઓ પણ નીચે પડી ગઈ હતી, જોકે કોઈ જાનહાનિ કે મોટું નુકસાન થયું હોવાનું હજુ સુધી સામે આવ્યું નથી.
જુલિયન નજીક કેન્દ્રબિંદુ
યુએસ જિયોલોજિકલ સર્વે (USGS)ના જણાવ્યા મુજબ, ભૂકંપ સ્થાનિક સમય મુજબ સવારે 10:08 વાગે આવ્યો હતો. તેનું કેન્દ્રબિંદુ જુલિયન શહેરથી માત્ર 4 કિલોમીટર દૂર હતું. જુલિયન એક નાનું પર્વતીય ગામ છે, જે લગભગ 1,500 વસતી ધરાવે છે અને તેની એપલ પાઈ માટે જાણીતું છે.
આંચકા લોસ એન્જલસ સુધી પહોંચ્યા
ભૂકંપના આંચકા લોસ એન્જલસ કાઉન્ટી સુધી અનુભવાયા હતા, જે કેન્દ્રીય સ્થળથી લગભગ 193 કિલોમીટર દૂર છે. જુલિયનમાં આવેલા એક જૂના સોના ખાણના માલિક પૉલ નેલ્સને જણાવ્યું કે ભૂકંપ સમયે ફોટાફ્રેમ્સ ડેસ્ક પરથી પડી ગઈ હતી.
રસ્તાઓ પર પથ્થરો ખસ્યા, પ્રવાસીઓ માટે ચેતવણી
ટ્રાન્સપોર્ટ વિભાગે મુસાફરોને એલર્ટ કરતાં જણાવ્યું છે કે પર્વત વિસ્તારમાંથી પથ્થરો ખસી શકે છે, ખાસ કરીને જુલિયનથી ઉત્તરપશ્ચિમમાં આવેલા સ્ટેટ રૂટ 76 માર્ગ પર.
અધિકારીઓએ હાલ લોકોની સુરક્ષા માટે તાત્કાલિક પગલાં લીધાં છે અને બાદમાં નાની ધરતીકંપની આંચકાઓ પણ નોંધાઈ છે.
