ફ્લોરિડા યુનિવર્સિટી ગોળીબાર કાંડ: બેનાં મોત, ટ્રમ્પે કહ્યું દુઃખદ, પણ નવા ગન કાયદાનો ઇનકાર
ફ્લોરિડા સ્ટેટ યુનિવર્સિટીમાં ગુરુવારે એક ભયાનક ઘટના બની હતી. 20 વર્ષીય યુવાન ફોનિક્સ આઇચ્નરે કેમ્પસમાં ગોળીબાર કર્યો હતો, જેમાં બે લોકોનાં ઘટનાસ્થળે મોત નીપજ્યાં અને અન્ય પાંચ ઘાયલ થયા છે. ઘાયલોમાંથી એકની સ્થિતિ ગંભીર છે અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આયોજિત હુમલાની વિગતો પણ સામે આવી છે. ફોનિક્સ લિઓન કાઉન્ટીના પોલીસ ઓફિસરનો પુત્ર છે અને લિઓન કાઉન્ટી શેરિફ્સ ઓફિસના યુથ એડવાઇઝરી કાઉન્સિલનો સભ્ય પણ છે. ખાસ વાત એ છે કે તેણે આ હુમલામાં પોતાની માતાનું હથિયાર વાપર્યું હતું, જે ઘટનાસ્થળેથી જપ્ત કરવામાં આવ્યું છે.
પોલીસ અને કાયદા અમલની સંસ્થાઓએ યુનિવર્સિટી કેમ્પસ ખાલી કરાવવાનું કામ શરૂ કરી દીધું છે. આસપાસની શાળાઓ અને દુકાનો પણ બંધ રાખવામાં આવી છે.
ટ્રમ્પે વ્યક્ત કર્યું દુઃખ, પણ નવા કાયદાની ના પાડી
ઘટનાની જાણકારી મળ્યા બાદ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે, “વિશ્વવિદ્યાલયમાં ગોળીબાર દુઃખદ ઘટના છે, જેમાં બેકસૂર લોકોનાં જીવ ગયા.” તેમ છતાં, તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ અમેરિકાની ગન કલ્ચર સામે કોઈ નવા કાયદાની ભલામણ કરનાર નથી. ટ્રમ્પે કહ્યું, “હથિયાર નથી મારતા, લોકો મારતા હોય છે.”
આ ઘટના ફરીથી અમેરિકામાં વધતા ગન વાઇલન્સ પર ચર્ચા જગાવી રહી છે, પણ વ્હાઇટ હાઉસ તરફથી કોઈ નવી નીતિ વિશે આશાવાદ જોવા મળ્યો નથી.
