કર્ણાટકના પૂર્વ DGP ઓમ પ્રકાશની બેંગલુરુમાં રહસ્યમય મોતથી રાજ્યની પોલીસ સિસ્ટમમાં ખળભળાટ મચી ગયો છે. 68 વર્ષીય નિવૃત્ત અધિકારીની રવિવારે હત્યા થયાનું સામે આવ્યું છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે તેમની પત્ની ઉપર જ હત્યાનો ગંભીર આરોપ મૂકાયો છે.
માહિતી અનુસાર, બેંગલુરુના HSR લેઆઉટમાં રહેલા ઓમ પ્રકાશ લાંબા સમયથી પત્ની સાથે ઘર્ષણભર્યું જીવન જીવી રહ્યા હતા. તેમના ઘરમાંથી પત્ની દ્વારા પોલીસને ફોન કરીને જાણ કરવામાં આવી હતી. પરંતુ પોલીસ પહોંચી ત્યારે ઘરના દરવાજા ખોલવામાં વિલંબ થયો અને પછી જે દ્રશ્ય જોવા મળ્યું તે હૃદયદ્રાવક હતું – ઓમ પ્રકાશ લોહીથી લથપથ હાલતમાં મૃત અવસ્થામાં મળી આવ્યા.
તપાસમાં સામે આવ્યું છે કે મૃતદેહ પર ગંભીર ઈજાના નિશાન હતા. પોલીસે પત્ની અને પુત્રી બંનેને અટકાયત કરી છે અને તીવ્ર પૂછપરછ ચાલી રહી છે. પ્રાથમિક તારણ મુજબ પતિ-પત્ની વચ્ચેના ગંભીર કલેશથી હત્યાની શંકા છે.
1981ની બેચના IPS અધિકારી ઓમ પ્રકાશ ચંપારણ (બિહાર)ના મૂળ રહેવાસી હતા અને 2015માં કર્ણાટકના DGP તરીકે નિમાયા હતા. નિવૃત્તિ પછી તેઓ બેંગલુરુમાં રહેતા હતા
