યમનના હૂતી બળવાખોરોનો દાવો છે કે યુએસએ આફ્રિકન સ્થળાંતરકારોની જેલ પર હવાઈ હુમલો કર્યો, જેમાં 68 લોકોએ જીવ ગુમાવ્યો છે અને 47 લોકો ઘાયલ થયા છે. આ હુમલો સાઅદા પ્રાંતમાં થયો હતો, જ્યાં આશરે 115 કેદીઓ રાખવામાં આવ્યા હતા. હૂતી સમર્થિત અલ-મસીરા ન્યૂઝ ચેનલે ઘટના સ્થળના ભયાનક દ્રશ્યો દર્શાવતા વીડિયો બહાર પાડ્યા છે, જેમાં લાશો અને ઘાયલ લોકો જોવા મળે છે.
આ પહેલા, યુએસે “ઓપરેશન રફ રાઇડર” અંતર્ગત યમનની રાજધાની સનાઆ પર રવિવાર રાત્રે હવાઈ હુમલો કર્યો હતો. હૂતી બળવાખોરોના જણાવ્યા મુજબ, આ હુમલામાં 8 લોકોના મોત થયા છે.
યુએસ સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા અનુસાર, ઓપરેશન રફ રાઇડર હેઠળ છેલ્લા એક મહિનામાં હૂતી બળવાખોરોના 800થી વધુ ઠેકાણાઓ પર હુમલાઓ કરવામાં આવ્યા છે. આ હુમલાઓમાં ઘણા હૂતી લીડરો તથા મિસાઇલ અને ડ્રોન કાર્યક્રમ સાથે સંકળાયેલા લોકો માર્યા ગયા છે. જો કે, યુએસે મૃત્યુ પામેલા હૂતી લીડરો વિશે વધુ વિગતો આપી નથી.
