
પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલાના પગલે, ભારતે આતંક સામેનો પોતાનો અભિગમ વધુ આક્રમક બનાવ્યો. આ ઘટનાથી દેશમાં રોષની લાગણી ઉઠી. દેશની સુરક્ષા માટે જવાબદારીનું બોખ ભારી છે અને આ સમયે ભારતીય સશસ્ત્ર દળોએ તાત્કાલિક અને સચોટ પગલાં લીધાં.
સોમવારે રાત્રે 1:30 વાગ્યે ‘ઓપરેશન સિંદૂર’ નામની ગુપ્ત હવાઈ કાર્યવાહી શરૂ કરવામાં આવી. ભારતીય વાયુસેનાના મિરાજ-2000 અને સુખોઈ-30 MKI ફાઇટર જેટ્સે પાકિસ્તાન તેમજ પાક અધિકૃત કાશ્મીર (POK) ના બહાવલપુર, મુઝફ્ફરાબાદ અને કોટલી જેવા પ્રદેશોમાં સ્થિત 9 આતંકવાદી ઠેકાણાંને નિશાન બનાવ્યા. આ સ્થળો લાંબા સમયથી જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબા જેવા ઘાતકી સંગઠનોના ગઢ માનાતા હતાં. હુમલાનો મુખ્ય હેતુ હતો આતંકવાદી લોન્ચ પેડ અને શસ્ત્રોના જથ્થાને નાશ કરવો.
આ હવાઈ હુમલાઓ બાદ પાકિસ્તાનમાં અફરા-તફરી મચી ગઈ. ઇસ્લામાબાદ અને લાહોર એરપોર્ટની બધી ફ્લાઇટ્સ તાત્કાલિક રદ કરવામાં આવી. પાકિસ્તાને લાહોર અને સિયાલકોટ એરપોર્ટ 48 કલાક માટે બંધ કરવાની જાહેરાત પણ કરી. આ સમગ્ર ઘટનાને લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચિંતાનું માહોલ જોવા મળ્યો. અમેરિકાએ કહ્યું કે તેઓ સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે.
ભારતીય રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે અમેરિકી વિદેશ મંત્રી સાથે વાત કરીને સમગ્ર ઘટનાક્રમ વિશે માહિતી આપી. પાકિસ્તાની સેનાએ પણ હવાઈ હુમલાની પુષ્ટિ કરી છે અને કહ્યું કે ઘટનાનો મૂલ્યાંકન ચાલુ છે.
‘ઓપરેશન સિંદૂર’ એ માત્ર એક સામરિક કાર્યવાહી નહોતી — તે ભારતની આતંકવાદ સામેની શૂન્ય સહનશીલતાની મજબૂત અને સ્પષ્ટ જાહેરાત હતી.






