12 મે થી 5 જૂન સુધી સાબરમતી નદી રહેશે પાણી વગર, વાસણા બેરેજમાં ચાલશે મરામત અને સફાઈના કામો
અમદાવાદમાંથી વહેતી સાબરમતી નદી આગામી કેટલાક અઠવાડિયા સુધી પાણી વિનાની નજરે પડશે. રાજ્યના સિંચાઈ વિભાગ દ્વારા વાસણા ખાતે આવેલા બેરેજના દરવાજાની મરામત અને ઉપરવાસમાં માટીના રેમ્પના નિર્માણના કારણે નદીને 12 મે થી 5 જૂન સુધી સંપૂર્ણપણે ખાલી કરાશે.
આ કામગીરીનું શુભારંભ 10 મેના રોજ થઈ ચૂક્યો છે. મરામતની કામગીરી ચોમાસા પૂર્વે પૂર્ણ કરવા માટે નદીને ખાલી કરવી જરૂરી બની છે. વાસણા બેરેજની સલામતી અને કાર્યક્ષમતા જાળવી રાખવા માટે દરવાજાનું સમારકામ જરૂરી છે.
આ અવધિ દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નદીના પટને સાફ કરવાની વિશાળ અભિયાન પણ હાથ ધરશે. ખાસ વાત એ છે કે આ સફાઈમાં જનસહભાગીતા પણ રહેશે, જેથી નદીના પર્યાવરણમાં સુધારો આવે.
વિશેષ નોંધનીય છે કે સાબરમતી નદી હાલમાં દેશની 13 સૌથી પ્રદૂષિત નદીઓમાં સામેલ છે. આ નદીમાં બાયો-કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ (BOD) ની લેવલ ઘણાં હદે ભયજનક છે. તેનું પાણી પીવા માટે યોગ્ય નથી અને અનેક લોકો જળપ્રદૂષણના કારણે તબિયત ખરાબ થવાનો ભોગ બની રહ્યા છે.
સફાઈ અને મરામતના કામો આ સ્થિતિમાં સુધારો લાવશે તેવી આશા છે. સુભાષ બ્રિજથી લઈ વાસણા બેરેજ સુધીનો મોટો ભાગ આ કામગીરીના કારણે ખાલી જોવા મળશે.
