માત્ર 25 વર્ષની ઉંમરે કશિષ ચૌધરીએ ઇતિહાસ રચ્યો છે. બલુચિસ્તાનના નોશકી શહેરની રહેવાસી કશિષ પાકિસ્તાનની પહેલી હિન્દુ મહિલા છે, જેમને બલુચિસ્તાન પ્રાંતમાં સહાયક કમિશનર તરીકે નિયુક્તિ મળી છે. તેઓ લઘુમતી હિન્દુ સમુદાયની સભ્ય હોવા છતાં, કશિષે પોતાના નિશ્ચય અને મહેનતથી સમાજના અનેક આગલાં અવરોધો તોડ્યા છે.
સફળતાની પાછળની કહાની
બલુચિસ્તાન પબ્લિક સર્વિસ કમિશન (BPSC)ની કઠિન પરીક્ષા પાસ કરીને કશિષે આ સિદ્ધિ હાંસલ કરી છે. એક ચેનલ સાથે વાતચીતમાં કશિષે જણાવ્યું કે તેઓ છેલ્લા ત્રણ વર્ષથી દરરોજ ઓછામાં ઓછા આઠ કલાક અભ્યાસ કરતી હતી. “શિસ્ત અને સમાજ માટે કંઈક કરવાના જજ્બા સાથે હું આગળ વધી,” એમ તેમણે ઉમેર્યું.
કટિબદ્ધતા અને પરિવારનો ગર્વ
કશિષના પિતા ગિરધારીલાલ વ્યવસાયે ઉદ્યોગપતિ છે. પુત્રીની સિદ્ધિ પર તેઓએ ગર્વ વ્યક્ત કરતા કહ્યું કે, “કશિષની મહેનત અને સમર્પણના કારણે જ આ પદ પ્રાપ્ત થયું છે.”
લક્ષ્ય – લઘુમતીઓ અને મહિલાઓનો વિકાસ
કશિષે બલુચિસ્તાનના મુખ્યમંત્રી સરફરાઝ બુગતીને પણ મુલાકાત આપી હતી. તેમણે જણાવ્યુ̀ કે તેઓ મહિલાઓ અને લઘુમતી સમુદાયના સશક્તિકરણ માટે સતત કાર્ય કરશે. મુખ્યમંત્રીએ પણ તેમના પ્રયાસોની પ્રશંસા કરતા જણાવ્યું કે, “કશિષ જેવી યુવતીઓ સમગ્ર દેશ માટે ગર્વની વાત છે.”
પ્રેરણાત્મક સ્ત્રીપાત્રોનું ઉદાહરણ
કશિષ ચૌધરી પહેલાં પણ અનેક હિન્દુ મહિલાઓએ પાકિસ્તાનમાં ઉચ્ચ પદો હાંસલ કર્યા છે. 2022માં મનીષા રોપેટા કરાચીની પહેલી હિન્દુ મહિલા એસપી બની હતી. પુષ્પા કોહલી સબ-ઇન્સ્પેક્ટર તરીકે સેવા આપી રહી છે, જ્યારે સુમન બોધનાની 2019માં સિવિલ જજ તરીકે નિયુક્ત થઈ હતી.
કશિષની સફળતા એ એક સંદેશ છે—જ્યાં ઇચ્છા છે ત્યાં રસ્તો છે. તેની કથા આજે પાકિસ્તાનના અનેક યુવાઓ અને મહિલાઓ માટે આશાની કિરણ બની છે.
