ઓલિમ્પિક માટે ખાસ તાલીમ કેન્દ્રો બનાવશે રમતગમત મંત્રાલય, BCCI બે-ત્રણ રમતો અપનાવવાની તૈયારીમાં
ભારત સરકારના રમતગમત મંત્રાલયે દેશભરમાં વિવિધ ઓલિમ્પિક રમતો માટે વિશિષ્ટ તાલીમ કેન્દ્રો શરૂ કરવાનો મહત્ત્વાકાંક્ષી પ્લાન તૈયાર કર્યો છે. આ યોજનામાં હવે દેશનું સૌથી ધનાઢ્ય ક્રિકેટ સંચાલક મંડળ BCCI પણ આગળ આવ્યું છે. BCCI હવે બે થી ત્રણ ઓલિમ્પિક રમતોને અપનાવવાની તૈયારીમાં છે અને તમામ ખર્ચો પોતે ઉઠાવશે એવી માહિતી મળી છે.
સ્પોર્ટ્સ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે, દરેક ખેલ માટે એક ખાસ કેન્દ્ર બનાવાશે જ્યાં 100 થી 200 પ્રતિભાશાળી ખેલાડીઓને પસંદ કરી વિવિધ ઉમર સમૂહ મુજબ તાલીમ આપવામાં આવશે. આ આયોજન માત્ર હાલના ઓલિમ્પિક ચક્ર માટે નહિ પરંતુ આગલા ઓલિમ્પિક માટે પણ ખેલાડીઓ તૈયાર કરવા માટે છે.
તાજેતરમાં રમતગમત મંત્રીની 58 કોર્પોરેટ પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અનેક કંપનીઓએ અને સરકારી પીએસયૂઝે યોગદાન આપવાની ઇચ્છા વ્યક્ત કરી. BCCI પણ આ પહેલમાં આગળ આવ્યું છે. BCCIના ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ જણાવ્યું કે, તેઓ સરકારથી કોઈપણ ખર્ચ લીધા વગર બે થી ત્રણ ઓલિમ્પિક રમતો માટે તાલીમ કેન્દ્રો વિકસાવવા તૈયાર છે.
તેમણે ઉલ્લેખ કર્યો કે બેસબોલ જેવી રમતો, જે ક્રિકેટથી કંઈક હદે મળતી આવતી હોય છે, તેમાં BCCI મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.
આ પહેલ ભારતીય ખેલજગત માટે એક મોટું પગલું સાબિત થઈ શકે છે જ્યાં સરકારી અને ખાનગી ક્ષેત્ર એકસાથે આવીને ઓલિમ્પિક માટે સમર્પિત તૈયારી કરશે.
