‘કંઈ થયું નથી’ કહેનાર પાકિસ્તાનનો પલટો, હવે શાહબાઝે સ્વીકાર્યું ભારતના હુમલાથી થયેલું મોટું નુકસાન
આ એ જ પાકિસ્તાન છે જે ગઈકાલ સુધી દુહાઈ આપી રહ્યું હતું કે ભારતીય હવાઈ હુમલામાં કંઈ ખાસ થયું નથી. સરકારી મીડિયા વિજયની ઉજવણી કરી રહ્યું હતું અને પોતાને અગ્રેસર બતાવતું હતું. હવે પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તેમણે ખુલાસો કર્યો છે કે ભારતના હુમલાથી પાકિસ્તાનને મોટું નુકસાન થયું છે.
શાહબાઝ શરીફ જણાવે છે કે 9 અને 10 મેથી વચ્ચેની રાતે, લગભગ 2:30 વાગ્યે, પાકિસ્તાન આર્મી ચીફ આસીમ મુનીરે તેમને ફોન કરીને જાણ કરી હતી કે ભારતે બેલિસ્ટિક મિસાઇલ લોન્ચ કરી છે, જેમાંથી એક ઇસ્લામાબાદ નજીકના નૂર ખાન એરબેઝ પર પડી છે. આ હુમલો માત્ર ટેકનિકલ નહીં પરંતુ રણનીતિક રીતે પણ ગંભીર માનવામાં આવે છે.
નૂર ખાન એરબેઝ: સૌથી સંવેદનશીલ લશ્કરી બેઝ
નૂર ખાન એરબેઝ કોઈ સામાન્ય વિમાની મથક નથી. આ બેઝ પાકિસ્તાનના VVIP મુસાફરો માટે ખાસ રિઝર્વ રાખવામાં આવે છે, જેમાં વડા પ્રધાન, રાષ્ટ્રપતિ અને વિદેશ મંત્રીઓનો સમાવેશ થાય છે. સેટેલાઈટ તસવીરો દર્શાવે છે કે હુમલો ખૂબ જ ચોકસાઈથી કરવામાં આવ્યો હતો. જેમાં કમાન્ડ અને કંટ્રોલ યુનિટને નુકસાન થયું હોવાનું મનાય છે.
સેટેલોજિક નામની અવકાશ સંસ્થા દ્વારા પ્રકાશિત થયેલ તસવીરોમાં સ્પષ્ટ દેખાય છે કે હુમલાના એક દિવસ પછી ત્યાં Gulfstream G450 જેટ પ્લેન નજરે પડ્યું હતું – જેનો ઉપયોગ માત્ર ટોચના નેતાઓ દ્વારા થાય છે. પાકિસ્તાન સરકારના દાવાઓ બાદ હવે આ તસવીરો અને શાહબાઝના નિવેદનને કારણે સમગ્ર પરિસ્થિતિ બદલાઈ ગઈ છે.
ભારતીય વાયુસેનાએ માત્ર હુમલો જ કર્યો નથી, પરંતુ એક મહત્વપૂર્ણ લશ્કરી સ્ટ્રક્ચરનો ખત્મો કરીને, પાકિસ્તાનના રક્ષણ વ્યવસ્થાની એક મોટું છિદ્ર બતાવી દીધું છે.
