મૂડીઝે યુએસનું AAA રેટિંગ ઘટાડ્યું, હવે અમેરિકા લોન માટે ચૂકવશે વધુ વ્યાજ
અમેરિકન અર્થતંત્ર માટે આર્થિક રીતે મુશ્કેલ સમય શરૂ થયો છે. ક્રમશઃ મોટાં કિસ્સાઓ સામે આવી રહ્યા છે, અને હવે ક્રેડિટ રેટિંગ એજન્સીઓ પણ આર્થિક સ્થિરતાના મુદ્દે ચિંતા વ્યક્ત કરી રહી છે. તાજેતરમાં વિશ્વપ્રસિદ્ધ રેટિંગ એજન્સી મૂડીઝે અમેરિકાના ક્રેડિટ રેટિંગમાં ઘટાડો કર્યો છે, જે અર્થતંત્ર માટે મોટું આંચકો માનવામાં આવી રહ્યો છે.
મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસે અમેરિકાનું રેટિંગ Aaaમાંથી ઘટાડીને Aa1 કર્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અમેરિકાના $36 ટ્રિલિયન જેટલા વધતા દેવા અને બજેટ ખાધને કારણે આ પગલું લેવામાં આવ્યું છે. હવે, મૂડીઝ પણ અન્ય બે એજન્સી – ફિચ અને S&P – જેવીજ રીતે ટોચના ટ્રિપલ A રેટિંગમાંથી યુએસને દૂર કરી ચુકી છે.
1919થી મૂડીઝે યુએસને ટોચનું Aaa રેટિંગ આપ્યું હતું, પરંતુ હવે વધતા રાષ્ટ્રીય દેવા અને વહીવટી અસ્થીરતાને કારણે અંતે આ રેટિંગ ઘટાડવામાં આવ્યું છે. મૂડીઝનો દાવો છે કે, વહીવટીતંત્ર અને કોંગ્રેસ બજેટ ખાધ ઘટાડવામાં નિષ્ફળ રહ્યા છે અને આગામી વર્ષોમાં વધુ દેવા વધવાના પુરતા સંકેતો પણ દેખાઈ રહ્યાં છે.
આ નિર્ણયનો સીધો અસર અમેરિકાની લોન લેવાની ક્ષમતા પર પડશે. હવે અમેરિકાએ લોન માટે વધારે વ્યાજ ચૂકવવું પડશે, કારણ કે ક્રેડિટ રેટિંગ ઘટવાથી ધિરાણદાતાઓ વધુ જોખમભર્યું માને છે. જોકે, અમેરિકન સરકાર હજુ પણ વ્યાજદરો અને ખર્ચ માટે નવી નીતિઓ પર વિચાર વિમર્શ કરી રહી છે.
