
દિલ્હીમાં રાજકારણ ફરી ગરમાયું છે. ગુજરાતની જેમ હવે દિલ્હીની મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)માં પણ ત્રીજા મોરચાની રચના થઈ રહી છે. આમ આદમી પાર્ટી (AAP)માંથી અલગ થયેલા લગભગ 15 કાઉન્સિલરોએ ‘ઇન્દ્રપ્રસ્થ વિકાસ પાર્ટી’ના નામથી નવી રાજકીય પાર્ટીની જાહેરાત કરી છે. આ નવો મોરચો દિલ્હીની રાજકારણમાં મોટો ફેરફાર લાવી શકે છે.
આ નવી પાર્ટીના નેતા તરીકે મુકેશ ગોયલની પસંદગી કરવામાં આવી છે, જેમણે અહિયાંથી નવો રાજકીય પ્રવાસ શરૂ કર્યો છે. AAP માટે આ એક મોટું રાજકીય ઝટકો માનવામાં આવી રહ્યું છે.
હાલમાં થોડાક સમય પહેલાં યોજાયેલી MCD ચૂંટણીમાં ભાજપે વિજય મેળવ્યો હતો. ભાજપના રાજા ઇકબાલ સિંહ નવા મેયર તરીકે ચૂંટાયા હતા. તેમને 133 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર મનદીપને માત્ર 8 મત મળ્યા હતા. AAP એ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો અને પોતાનો ઉમેદવાર ઊભો રાખ્યો નહોતો.
બીજી તરફ, મેયર બન્યા બાદ રાજા ઇકબાલ સિંહે જણાવ્યું હતું કે, “દિલ્હીની જનતાએ અમારા પર વિશ્વાસ મૂક્યો છે. હવે અમે શહેરની સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે સંપૂર્ણ દ્રઢતાથી કાર્ય કરીશું.”
આ નવા ત્રીજા મોરચાની એન્ટ્રીથી દિલ્હીની MCDમાં શક્તિસંતુલન બદલાઈ શકે છે અને આગામી દિવસોમાં રાજકારણ વધુ રસપ્રદ બનવાની સંભાવના છે.






