ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચેનો સંઘર્ષ વધુ ગંભીર રૂપ ધારણ કરી રહ્યો છે. ઈઝરાયલી સેનાએ છેલ્લા પાંચ દિવસથી ગાઝા પર અવિરત અને ભયાનક હુમલાઓ શરૂ કર્યા છે. આ હુમલાઓમાં અત્યારસુધીમાં 320થી વધુ પેલેસ્ટાઈની નાગરિકોએ જીવ ગુમાવ્યા છે. મિસાઈલ હુમલાઓમાં શરણાર્થી શિબિરો અને હોસ્પિટલ જેવી નાજુક જગ્યાઓ પણ નુકસાનનો ભોગ બની છે.
આટલી તીવ્રતાની વચ્ચે, ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ એક વિવાદાસ્પદ નિવેદન આપીને વધુ તણાવ ઊભો કર્યો છે. તેમણે ટેલીગ્રામ પર પોસ્ટ કરેલા વીડિયોમાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, “અમે ગાઝા પટ્ટીના દરેક ખૂણો પર કબજો મેળવીશું. યુદ્ધ ગંભીર છે, પરંતુ અમે હાર માનવાના નથી. અમારું લક્ષ્ય સફળતા છે અને અમે અટકાવી ન શકાય તેવા પગલાં લઈશું.”
આ નિવેદન બાદ ઈઝરાયલની સેના (IDF)એ દક્ષિણ ગાઝાના ખાન યુનુસ વિસ્તારના લોકોને તાત્કાલિક વિસ્તારમાંથી દૂર જવાની ચીમકી સાથેનો આદેશ આપ્યો છે. લોકોમાં ભયનો માહોલ છે અને અનેક પરિવારો હલનચલન કરવા મજબૂર થયા છે.
નેતન્યાહૂએ યુદ્ધવિરામ અંગે પણ પોતાની શરતો રજૂ કરી છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, “જ્યાં સુધી બધા બંધકોને છોડવામાં નહીં આવે ત્યાં સુધી કોઈ શાંતિપ્રસ્તાવ પર વિચાર પણ નહીં થાય.” ઉપરાંત તેમણે કહ્યું કે, “ગાઝાને સંપૂર્ણ રીતે હથિયારમુક્ત કરવું પડશે અને હમાસના આતંકીઓએ વિસ્તાર છોડવો પડશે.”
આ બધાં ઘટનાક્રમો વચ્ચે, માનવહિત અને શાંતિ તરફના માર્ગો સતત દૂર જતાં જણાઈ રહ્યા છે.
