જો બાઈડેનને ગંભીર પ્રોસ્ટેટ કેન્સર, હાડકાં સુધી ફેલાઈ તકલીફ
અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બાઈડેન તાજેતરમાં આરોગ્ય સંબંધી તકલીફો બાદ ડૉક્ટરની તપાસ માટે ગયા હતા. પેશાબમાં દુખાવાની ફરિયાદ બાદ તેમને તાત્કાલિક મેડિકલ ચેકઅપ કરાવવો પડ્યો. તપાસમાં બહાર આવ્યું કે તેમને પ્રોસ્ટેટ કેન્સર થયો છે – અને તે પણ એટલો ગંભીર કે કેન્સરના કોષો હાડકાં સુધી ફેલાઈ ગયા છે.
82 વર્ષના જો બાઈડેનનો ગ્લીસન સ્કોર 9 હોવાનું જાણવા મળ્યું છે. આ સ્કોર બતાવે છે કે કેન્સર અત્યંત ગંભીર તબક્કામાં છે. તેમ છતાં, તેમના કાર્યાલય દ્વારા જાહેર કરાયેલ નિવેદન અનુસાર કેન્સર હોર્મોન સંવેદનશીલ છે, એટલે તેની અસરકારક સારવાર શક્ય છે.
વિશેષજ્ઞોનું કહેવું છે કે આવા કેસમાં હોર્મોન થેરાપી, કીમોથેરાપી અને હાડકાંને લક્ષિત થેરાપી અસરકારક સાબિત થાય છે. જો બાઈડેન અને તેમના પરિવાર દ્વારા સારવાર માટે વિવિધ વિકલ્પો પર વિચાર કરવામાં આવી રહ્યો છે.
ટ્રમ્પનું સહાનુભૂતિભર્યું સંદેશ
પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની પત્ની મેલેનિયા ટ્રમ્પે બાઈડેનના પરિવાર માટે સંવેદના વ્યક્ત કરી. ટ્રમ્પે કહ્યું, “અમે ઇચ્છીએ છીએ કે જો બાઈડેન ઝડપથી સ્વસ્થ થાઈ જાય.”
ગત ચૂંટણી પ્રચાર દરમિયાન ટ્રમ્પે બાઈડેનના સ્વાસ્થ્ય પર ઘણા વખત પ્રશ્નો ઉઠાવ્યા હતા. હવે, સ્વાસ્થ્ય સમસ્યાને કારણે જો બાઈડેને રાષ્ટ્રપતિ પદ માટે પોતાની ઉમેદવારી રજૂ કરી ન હતી. તેમનું સ્થાન કમલા હેરિસે લીધો, પરંતુ તેઓ પણ ચૂંટણીમાં હારી ગયા.
પીએમ મોદીની પ્રાર્થના
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ બાઈડેનના સ્વાસ્થ્ય માટે ટ્વીટ કરીને શુભેચ્છા પાઠવી. તેમણે લખ્યું, “પૂર્વ યુએસ રાષ્ટ્રપતિ જો બાઈડનના સ્વાસ્થ્ય વિશે સાંભળીને ચિંતિત છું. તેમને ઝડપથી અને સંપૂર્ણ સ્વસ્થ થવાની શુભેચ્છાઓ પાઠવું છું. અમારા વિચારો ડૉ. જીલ બાઈડેન અને પરિવાર સાથે છે.”
