વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષનો ક્યારેય પરમાણુ યુદ્ધ તરફ ઝુકાવ થયો નથી. સોમવારે સંસદીય સમિતિ સમક્ષ પોતાની રજૂઆત દરમિયાન તેમણે જણાવ્યું કે આવા તમામ સંઘર્ષ પરંપરાગત હથિયારોની હદમાં જ રહ્યા છે અને પાકિસ્તાન તરફથી પરમાણુ હુમલાના કોઈ ચોક્કસ સંકેતો જોવા મળ્યા નથી.
વિદેશ સચિવના જણાવ્યા પ્રમાણે, ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવભર્યા સમયમાં લશ્કરી પગલાં બંધ કરવાનો નિર્ણય બંને દેશોએ પોતાના દ્વિપક્ષીય સ્તરે લીધેલો હતો, કોઈ ત્રીજા પક્ષની માધ્યસ્થીથી નહીં.
આ સ્પષ્ટીકરણથી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પૂર્વ દાવાઓ પર ખુલાસો થયો છે. ટ્રમ્પે અગાઉ દાવો કર્યો હતો કે તેમણે ભારત-પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી કરી સંઘર્ષ રોકાવ્યો હતો અને તેમનું ન પડતું હોય તો સંઘર્ષ પરમાણુ યુદ્ધમાં ફેરવાઈ શકત.
વિદેશ સચિવ મિશ્રીએ એ દાવાઓને સ્પષ્ટપણે ફગાવી દીધા છે અને જણાવ્યું કે યુદ્ધવિરામનો નિર્ણય માત્ર બંને દેશોની સીધી વાતચીતથી જ આવ્યો હતો.
સોમવારે સ્થાયી સંસદીય સમિતિએ વિક્રમ મિશ્રી અને તેમના પરિવાર સામે થયેલા સાયબર હુમલાની એકસાથે નિંદા કરી. સમિતિએ આ કૃત્યને દુર્ભાવનાપૂર્ણ અને અસ્વીકાર્ય ગણાવ્યું.
તુર્કીયે વિશે તેમણે ઉમેર્યું કે ભારતના તુર્કી સાથેના સંબંધો ક્યારેય બગડેલા નથી, પરંતુ બંને દેશો નજીકના સહયોગી પણ રહ્યા નથી. હાલમાં કોઈપણ પ્રકારના વેપાર સંઘર્ષનો ઉલ્લેખ થયો નથી.
