પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં ફરી એકવાર ભયાનક હિંસક ઘટના બની છે. અબ્દુલ્લા જિલ્લાના જબ્બાર માર્કેટમાં રવિવારે જોરદાર વિસ્ફોટ થયો, જેમાં ચાર નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો અને 20થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા. વિસ્ફોટ એટલો ભારે હતો કે આસપાસની અનેક દુકાનો ધરાશાયી થઈ ગઈ અને કેટલીકમાં આગ લાગવા પામી.
પ્રારંભિક માહિતી મુજબ, વિસ્ફોટ બાદ અજાણ્યા હુમલાખોરોએ અચાનક ફાયરિંગ શરૂ કર્યું અને ફ્રન્ટિયર કોરના બિલ્ડિંગમાં તૈનાત કર્મચારીઓને નિશાન બનાવી આડેધડ ગોળીબાર કર્યો. આ ઘાટનાએ સમગ્ર વિસ્તારમાં હડકંપ મચાવી દીધો. સુરક્ષા દળોએ તરત જ સમગ્ર વિસ્તાર ખાલી કરાવી સીલ કર્યો અને હુમલાખોરોની શોધખોળ માટે વિશેષ ઓપરેશન શરૂ કરી દીધું છે.
જિલ્લાના નાયબ કલેકટર રિયાજ ખાને જણાવ્યું કે, ફ્રન્ટિયર કોરના આ ઘાટના પીછેહઠે આવેલા માર્કેટને નિશાન બનાવી આ વિસ્ફોટ કરાયો છે. ફાયરિંગ દરમિયાન અનેક નાગરિકો દોડધામ મચાવતાં બચવા પ્રયત્નશીલ રહ્યા હતા.
આ પહેલા પણ બલૂચિસ્તાનના ખુજદાર જિલ્લાના નાલ વિસ્તારમાં ગોળીબારની ઘટના થઈ હતી, જેમાં ચાર સુરક્ષા કર્મીઓના મોત થયા હતા. બલૂચિસ્તાનમાં છેલ્લાં બે દાયકાથી અશાંતિ અને આતંકવાદી પ્રવૃત્તિઓ સતત વધી રહી છે. અહીં વારંવાર વિસ્ફોટો, હુમલાઓ અને ગોળીબારની ઘટનાઓ બનતી રહે છે.
બલૂચ બળવાખોરો સતત પાકિસ્તાનના સુરક્ષા દળોને નિશાન બનાવી રહ્યા છે, જે બાબતે સ્થાનિક જનતામાં ભયનો માહોલ છે.
