“હાફિઝ-લખવીને સોંપો, તેમ કરવાથી જ શાંતિ શક્ય છે” – ઇઝરાયલમાં ભારતના રાજદૂત જેપી સિંહનો પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ
ઇઝરાયલમાં ભારતના રાજદૂત તરીકે કાર્યરત જેપી સિંહે આતંકવાદ વિરુદ્ધ કઠોર વલણ દાખવતાં પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપ્યો છે. તેમણે કહ્યુ કે પાકિસ્તાન જો ખરેખર શાંતિ ઈચ્છે છે તો હાફિઝ સઈદ, સાજિદ મીર અને ઝકીઉર રહમાન લખવી જેવા આતંકવાદી નેતાઓને ભારતના હવાલે કરવા જોઈએ.
તેમણે તહવ્વુર હુસૈન રાણા ઉદાહરણ આપ્યું જેની અમેરિકાએ પ્રત્યર્પણ પ્રક્રિયા દ્વારા ભારતને સોંપણી આપી હતી. તેમનું માનવું છે કે જ્યારે અમેરિકા ભારત સાથે આતંકવિરોધી સહકાર આપી શકે છે, ત્યારે પાકિસ્તાન કેમ નહીં?
“ઓપરેશન સિંદૂર” હજુ પૂરું થયું નથી
જ્યારે ઈન્ટરવ્યૂ દરમિયાન તેમને પુછાયું કે શું ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલનો શાંતિ કરાર યુદ્ધનો અંત દર્શાવે છે? ત્યારે જેપી સિંહે જવાબ આપ્યો કે, “ઓપરેશન સિંદૂર ફક્ત રોકવામાં આવ્યું છે, પૂરું થયું નથી.”
તેમણે જણાવ્યું કે આ અભિયાન ભારતે 22 એપ્રિલે પહેલગામમાં થયેલા હૂમલા પછી શરૂ કર્યું હતું જ્યાં ધર્મના આધાર પર 26 નાગરિકોને નિશાન બનાવીને હત્યા કરવામાં આવી હતી. ભારતે આતંકવાદના પાયાના ઢાંચા પર સીધો ઘાતક પ્રહાર કર્યો હતો.
“લોહી અને પાણી સાથે નથી વહી શકતાં”
જલ સંધિ અંગે પણ સિંહે પાકિસ્તાન માટે કડક વલણ દર્શાવ્યું. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉદ્ધરણનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, “લોહી અને પાણી એકસાથે વહી શકતા નથી.”
તેમજ ઉમેર્યું કે ભારત હવે એવી કોઈ સંધિ જાળવી શકે નહીં જે સદ્ભાવના અને મિત્રતાના આધારે હોય જ્યારે બીજી બાજુ આતંકવાદી હુમલાઓ ચાલુ હોય.
પાકિસ્તાનના હાથમાં છે વિકલ્પ
જેપીસિંહે લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા જૂથોની પુષ્ટિ કરતા જણાવ્યું કે તેમના નેતાઓ પાકિસ્તાનમાં મુક્તપણે સંચાલન કરી રહ્યાં છે.
તેમણે કહ્યું, “માત્ર ત્રણ આતંકીઓને — હાફિઝ સઈદ, લખવી અને સાજિદ મીરને ભારતને સોંપો અને મામલો શાંતિથી ઉકળી શકે છે.”
તેમજ કહ્યું કે આતંકવાદ કોઈપણ પ્રકારની શાંતિના સંવાદ માટે સૌથી મોટી અડચણ છે. ભારત પાકિસ્તાન સાથે સારા સંબંધો ઈચ્છે છે, પણ તેનું મૂળ શરત છે – આતંકવાદનો અંત.
