ચોખા અંગે વિવાદાસ્પદ નિવેદન બાદ જાપાનના કૃષિમંત્રી તાકૂ એતોએ રાજીનામું આપ્યું
જાપાનના કૃષિ મંત્રી તાકૂ એતોને પોતાના જ શબ્દો ભારે પડ્યા. તાજેતરમાં ચોખા અંગે આપેલા નિવેદનથી ઉદભવેલ વિવાદ બાદ એતોએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. મંત્રીએ કહ્યું હતું કે તેમને ક્યારેય પણ ચોખા ખરીદવા નથી પડતા, કારણ કે સમર્થકો તેમને ચોખા ભેટરૂપે આપી દે છે. જ્યારે દેશભરમાં ચોખાની કિંમતો રેકોર્ડ ઊંચે પહોંચી રહી છે, ત્યારે આવા નિવેદને જનતામાં ભારે રોષ ફેલાવ્યો.
એતોએ કહ્યું કે, “મારા નિવેદનથી લોકોને ઠેસ પહોંચી છે. હું મારી ભૂલ માટે ક્ષમા માંગું છું.” તેમણે વડાપ્રધાન કાર્યાલયમાં પોતાનું રાજીનામું સોપ્યું. આ નિર્ણય વડાપ્રધાન શિગેરૂ ઇશિબા માટે ચૂંટણી પૂર્વે વધુ એક પડકારરૂપ બન્યો છે.
જનતાની અવાજ સામે મંત્રી નમ્યા
જાપાનમાં ચોખા માત્ર ભોજન નહિ પરંતુ સંસ્કૃતિ અને જીવનશૈલીનો મહત્વપૂર્ણ ભાગ છે. તાજેતરમાં તેની કિંમતો ખૂબ જ વધી છે – 5 કિલો બેગની કિંમત લગભગ ₹2500 (4,268 યેન) સુધી પહોંચી છે. આવા સંજોગોમાં એક મંત્રી દ્વારા આમ કહવું કે તેમને ચોખા ખરીદવા પડતા નથી, સામાન્ય લોકો માટે અન્યાયરૂપ લાગ્યું.
કોઈ વ્યક્તિ જ્યારે આટલી ઊંચી પદવી ધરાવે ત્યારે દરેક શબ્દનું વજન હોય છે. સામાન્ય જનતાના દુઃખદર્દથી દૂર લાગતું આ નિવેદન એતોનાં રાજકીય જીવનમાં મોટો ઘાટ સાબિત થયું.
નવી નિમણૂક સાથે સરકારની આશા
વડાપ્રધાન ઇશિબાએ તાત્કાલિક પગલું ભરતાં પૂર્વ પર્યાવરણ મંત્રી શિંજિરો કોઇજુમીને કૃષિ અને મત્સ્યપાલન મંત્રાલયની જવાબદારી સોંપી. તેમણે આશા વ્યક્ત કરી કે કોઇજુમીના જુસ્સા અને અનુભવના આધાર પર આ ક્ષેત્રમાં જરૂરી સુધારા થઈ શકશે.
સરકાર માટે આ વખતે ખાસ મહત્વની છે, કારણ કે જુલાઈમાં મહત્ત્વની ચૂંટણી થવાની છે. ચૂંટણી પહેલા આવા વિવાદો પાર્ટીની છવીને નુકસાન પહોંચાડી શકે છે.
