વોશિંગ્ટનથી મળતી વિગતો મુજબ, ઇઝરાયેલની આયર્ન ડોમની સફળતાએ અમેરિકાને નવી દિશા આપી છે. અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં ‘ગોલ્ડન ડોમ’ નામક અત્યાધુનિક એર ડિફેન્સ સિસ્ટમ બનાવવા માટે ઘોષણા કરી છે.
આ પ્રોજેક્ટ માટે અંદાજિત ખર્ચ 175 અબજ ડોલર છે, જે રૂ. 14.52 લાખ કરોડ થાય છે. આ સિસ્ટમનો મુખ્ય હેતુ અમેરિકાને ચીન અને રશિયા જેવા શક્તિશાળી દેશોની મિસાઇલ ધમકીઓથી સુરક્ષિત રાખવાનો છે. ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં જાહેરાત કરી હતી કે ગોલ્ડન ડોમની અંતિમ ડિઝાઇન સ્વીકારાઈ ચૂકી છે અને અમેરિકન સ્પેસ ફોર્સના જનરલ માઇકલ ગ્યૂટલિનને તેનું નેતૃત્વ સોંપવામાં આવ્યું છે.
ટ્રમ્પે વધુમાં જણાવ્યું હતું કે ભૂતપૂર્વ પ્રમુખ રોનાલ્ડ રીગન પણ આવી જ ટેકનોલોજી ઈચ્છતા હતા, પરંતુ ત્યારે આવો વિકાસ શક્ય ન હતો. આજે તે શક્ય બન્યું છે. ગોલ્ડન ડોમ એવા સેટેલાઇટ્સ પર આધારિત હશે, જે મિસાઇલોની હલચલને અવકાશમાંથી શોધી કાઢશે અને ઇન્ટરસેપ્ટર મિસાઇલના માધ્યમથી હવામાં જ તેને નષ્ટ કરી દેશે.
કેનેડાએ પણ આ આયોજનમાં રસ દાખવ્યો છે. ટ્રમ્પે સ્પષ્ટ કહ્યું કે ગોલ્ડન ડોમ માત્ર બેલિસ્ટિક મિસાઇલ્સ નહીં, પરંતુ હાઇપરસોનિક ગ્લાઇડ વ્હીકલ્સ, ક્રુઝ મિસાઇલ્સ અને AI આધારિત ડ્રોનના ઝુંડ સામે પણ રક્ષણ આપશે.
જૂની એર ડિફેન્સ સિસ્ટમો મુખ્યત્વે બેલિસ્ટિક ધમકીઓ માટે બનાવવામાં આવી હતી. પરંતુ ગોલ્ડન ડોમ એક મલ્ટીલેયર ડિફેન્સ સિસ્ટમ હશે, જે એકસાથે અનેક હુમલાઓને પહોંચી વળશે.
પેન્ટાગોને પણ ચેતવણી આપી છે કે ચીન અને રશિયા હાઇપરસોનિક ટેકનોલોજીમાં આગળ વધી રહ્યા છે, જેને રોકવા માટે અમેરિકાને નવતર રક્ષણકવચની જરૂર છે.
ટ્રમ્પ ઈચ્છે છે કે આ સિસ્ટમ તેમની 2029ની કાર્યમર્યાદા પૂર્ણ થતાં પહેલાં કાર્યરત બની જાય. તે તેમને ઈતિહાસમાં સૌથી મોટું ટેકનોલોજીકલ રક્ષણ પ્રોજેક્ટ પૂરું કરનાર તરીકે ઓળખાવવાનો મોકો આપી શકે છે.
