આસામમાં પાકિસ્તાન સમર્થકો સામે કડક પગલાં, વિપક્ષી ધારાસભ્ય સહિત 76ની ધરપકડ
આસામ સરકારે રાજ્યમાં ‘ભારત વિરોધી’ પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. આ પગલાં 22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ લેવામાં આવ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માએ શનિવારે જણાવ્યું કે અત્યાર સુધીમાં કુલ 76 શંકાસ્પદ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
સામાજિક મીડિયામાં દેશદ્રોહી સામગ્રી શેર કરનારને ઝડપી પાડ્યા
મુખ્યમંત્રીએ તેમના ટ્વિટર પર માહિતી આપી હતી કે શુક્રવારે નલબારી, દક્ષિણ સાલમારા અને કામરૂપ જિલ્લાઓમાંથી એક-એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા લોકોમાં ઘણા એવા હતા જેમણે સોશિયલ મીડિયામાં પાકિસ્તાન સમર્થન અને ભારત વિરોધી સમાગ્રી શેર કરી હતી.
વિપક્ષી ધારાસભ્ય અમીનુલ ઇસ્લામની ધરપકડ પણ ચર્ચામાં
આ ધરપકડોની સૂચિમાં AIUDF (All India United Democratic Front) ના ધારાસભ્ય અમીનુલ ઇસ્લામનું નામ પણ ઉમેરાયું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઇસ્લામે પાકિસ્તાનની ભૂમિકા અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમને અગાઉ પણ રાજદ્રોહના આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. હાલની ધરપકડ રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ (NSA) હેઠળ કરવામાં આવી છે, જેના કારણે તેમને તાત્કાલિક જામીન મળવાનું મુશ્કેલ છે.
મુખ્યમંત્રીનો સખત સંદેશો: દેશદ્રોહ સહન નહીં થાય
મુખ્યમંત્રીએ સ્પષ્ટ કહ્યું છે કે રાજ્યમાં દેશદ્રોહી પ્રવૃત્તિઓના સમર્થન પર શૂન્ય સહિષ્ણુતાની નીતિ અપનાવવામાં આવશે. “પાકિસ્તાનના સમર્થકોને ક્યાંય છૂટ નથી આપવી. જ્યાં સુધી એવા તત્વોનો સમૂળ નાશ ન થાય, ત્યાં સુધી ઝુંબેશ ચાલુ રહેશે,” એમ તેમણે કહ્યું હતું.
રાજકીય ગરમાવો વધ્યો, વિપક્ષે સરકાર પર આક્ષેપ કર્યા
વિપક્ષી પક્ષોએ આ કાર્યવાહી પર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે સરકાર પર લઘુમતી સમુદાયને નિશાન બનાવવાનો આરોપ મૂક્યો છે અને આ બધું ‘રાજકીય બદલો’ હોવાનું દાવો કર્યો છે. પરંતુ સરકાર તરફથી સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે દેશની સુરક્ષા અને કાયદો વ્યવસ્થાની રક્ષા કરવી એ તેમની પ્રથમ પ્રતિબદ્ધતા છે.
