રાજકોટમાં એક જ દિવસે કોરોનાના 6 નવા કેસ, તબીબોમાં ચિંતા ફેલાઈ
રાજકોટ: કોરોના વાયરસ ફરી ધીમે ધીમે ગુજરાતમાં પગપેસારો કરી રહ્યો છે. દેશભરમાં ફરી કોરોનાના કેસો વધવાનું ચિંતાજનક ચિત્ર સામે આવી રહ્યું છે. ખાસ કરીને રાજકોટ શહેરમાં એક જ દિવસમાં 6 પોઝિટિવ કેસ સામે આવતા તંત્ર અને તબીબોમાં ચકચાર મચી ગઈ છે.
લોકોમાં ડર નહીં, તબીબોમાં ચિંતા
ત્રણેક વર્ષના વિરામ બાદ કોરોનાની ફરીથી વાપસી થઈ છે, પરંતુ પહેલા જેવો ડર હવે લોકોને રહ્યો નથી. તેમ છતાં કોરોનાના વધતા કેસો તબીબો માટે ચિંતાનું કારણ બન્યા છે. લોકો બેફામ બનેલી ઝિંદગી જીવી રહ્યા છે, પરંતુ હવે ફરી એકવાર માસ્ક અને સાવચેતીનું મહત્વ વધતું દેખાઈ રહ્યું છે.
શહેરના વિવિધ વિસ્તારોમાંથી કેસ
મળતી માહિતી અનુસાર, રાજકોટના વિવિધ વિસ્તારોમાં લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે:
-
રામપાર્ક: 25 વર્ષીય મહિલા
-
સદગુરુનગર: 32 વર્ષીય પુરુષ
-
બસ સ્ટેશન નજીક: 26 વર્ષીય યુવક
-
જીવરાજપાર્ક: 67 વર્ષીય વૃદ્ધ
-
સદગુરુનગર: 6 મહિનાનું બાળક
-
મંગલપાર્ક: 26 વર્ષીય યુવાન
આ તમામ દર્દીઓ હાલ હોમ આઈસોલેશનમાં છે અને સૌની તબિયત હાલ સ્થિર છે. તબીબો અને તંત્ર સતત તેમને મોનીટર કરી રહ્યા છે.
કુલ 11 કેસ, 1 દર્દી સ્વસ્થ થયો
રાજકોટમાં અત્યાર સુધી કુલ 11 કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી 1 દર્દી સ્વસ્થ થઇ ગયો છે, જ્યારે 10 દર્દીઓ હજુ સારવાર હેઠળ છે.
સાવચેતીની ફરજ
જાહેર સ્થળોએ માસ્ક પહેરવો, હાથ ધોવા, સેનેટાઈઝરનો ઉપયોગ અને ભીડથી દૂર રહેવું હવે ફરીથી જરૂરી બનતું જઈ રહ્યું છે. તબીબો અને તંત્રે જાહેર જનતાને વધુ સાવચેત રહેવાની સલાહ આપી છે.
