પાકિસ્તાન-અફઘાનિસ્તાન વચ્ચે ફરી તણાવ: બરમાચા બોર્ડર પર ફાયરિંગ, પાકે તૈનાત કર્યા ટેન્કો
ગુરુવારની સવારે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ફરી એકવાર તંગદિલીનો માહોલ સર્જાયો છે. બરમાચા બોર્ડર વિસ્તારમાં બંને દેશોની સેના આમને-સામને આવી ગઈ. અફઘાનિસ્તાનની સરહદ પાસે આવેલ પાકિસ્તાનના બલૂચિસ્તાન સાથે જોડાયેલા વિસ્તારમાં યુદ્ધ સમાન સ્થિતિ સર્જાઈ હતી.
બોર્ડર ચોકી વિવાદથી ઉદ્ભવ્યો તણાવ
સ્થાનિક સૂત્રો મુજબ, અફઘાનિસ્તાન તરફથી નવી ચોકીઓ બાંધવામાં આવતા વિવાદ ઊભો થયો. જેના કારણે સવારે ફાયરિંગ શરૂ થયું. થોડીવાર માટે શાંતિ આવ્યા બાદ બપોરે ફરી ગોળીબાર થયો. લગભગ 4:30 વાગ્યે બંને તરફથી તીવ્ર ગોળીબાર શરૂ થયો હતો.
પાકિસ્તાને તૈનાત કર્યા ટેન્કો, ઉડાવ્યાં અફઘાન ચોકીઓ
પરિસ્થિતિ વધુ ગંભીર ન બને તે પહેલાં જ પાકિસ્તાને ટેન્કો તૈનાત કર્યા અને અફઘાન ચોકીઓ પર તોપમારો કર્યો. આ હુમલામાં કેટલીક ચોકીઓને નષ્ટ કરવામાં આવી હતી, જેનું વીડીયો ફૂટેજ પણ વાયરલ થયું છે.
પાક-અફઘાન તાલિબાનના સંબંધો વધુ બગડ્યા
અફઘાન અને પાકિસ્તાની તાલિબાન વચ્ચે વધતી દુશ્મનાવટ પણ તણાવનું કારણ છે. અફઘાની તાલિબાનના સમર્થન ધરાવતા આતંકી સંગઠન TTP (તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન) સતત પાકિસ્તાની સૈનિકો પર હુમલા કરી રહ્યા છે. ટ્રેન હાઈજેક, બોમ્બ હુમલા, અને સૈનિકોની હત્યા જેવા બનાવો વધી રહ્યા છે.






