વિશ્વમાં ચાલતા યુદ્ધો અને રાજકીય રમત વચ્ચે ચીને એક મોટીDiplomatic ચાલ ચાલતી કરી છે. ચીન હવે એવા નવા આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મની સ્થાપના તરફ આગળ વધ્યું છે જે સંયુક્ત રાષ્ટ્ર (UN)ની ભૂમિકા માટે સીધી સ્પર્ધા ઊભી કરી શકે છે.
શુક્રવારે હોંગકોંગમાં ચીનના નેતૃત્વ હેઠળ એક નવું વૈશ્વિક મધ્યસ્થી સંગઠન સ્થાપવામાં આવ્યું. આ નવી સંસ્થા “આંતરરાષ્ટ્રીય મધ્યસ્થી સંગઠન” તરીકે ઓળખાશે. સ્થાપનાકાર કાર્યક્રમમાં પાકિસ્તાન, ઇન્ડોનેશિયા, બેલારુસ, ક્યુબા સહિત 30થી વધુ દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો અને સંસ્થાની સંધિ પર હસ્તાક્ષર કર્યા.
આ નવું સંગઠન હેતુ રાખે છે કે વૈશ્વિક વિવાદો અને રાષ્ટ્રો વચ્ચેના તણાવોને મધ્યસ્થી દ્વારા ઉકેલી શકાય. ચીનના વિદેશપ્રધાન વાંગ યીએ જણાવ્યું કે ચીન વર્ષોથી સંવાદ અને સમજદારી દ્વારા વિવાદોના ઉકેલને ટેકો આપતું આવ્યું છે અને હવે આ નવો પ્રયાસ એ જ દિશામાં આગળનો પગથિયું છે.
આ સંગઠનનું મુખ્ય મથક હોંગકોંગમાં હશે અને 2025ના અંત સુધીમાં કાર્યરત થવાનું અનુમાન છે. ચીનનું કહેવું છે કે આ સંગઠન સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટરના સિદ્ધાંતોને માન્યતા આપતું રહેશે, પણ તેની સાથે વૈશ્વિક વિવાદોના ઉકેલ માટે એક નવી અને વૈકલ્પિક પદ્ધતિ પણ રહેશે.
હાલ સંયુક્ત રાષ્ટ્રની કામગીરી અને અસરકારકતાને લઈને અનેક પ્રશ્નો ઊભા થયા છે. ઘણી સમસ્યાઓમાં તેનું નિષ્ફળ થવું, ખાસ કરીને યુક્રેન-રશિયા યુદ્ધ, ગાઝા સંઘર્ષ વગેરે મુદ્દાઓ પર તેની મૌન સ્થિતિને લઈને વિશ્વભરમાં ચર્ચા ચાલી રહી છે.
આવા સમયે ચીનના પ્રયાસો એ બતાવે છે કે તે માત્ર આર્થિક શક્તિ જ નહીં પણ વૈશ્વિક રાજકીય મંચ પર પણ પોતાનું દબદબું સ્થાપિત કરવા માટે સક્રિય છે.






