એલોન મસ્કની કંપની SpaceXની વિશ્વપ્રસિદ્ધ સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા ‘સ્ટારલિંક’ હવે ભારતમાં પણ શરૂ થવાની છે. ઘણા સમયથી રાહ જોઈ રહેલી આ સર્વિસને ભારત સરકારના ટેલિકોમ મંત્રાલય તરફથી જરૂરી લાઇસન્સ મળ્યું છે. હવે સ્ટારલિંક ભારતમાં તેમની હાઈસ્પીડ ઈન્ટરનેટ સેવા શરૂ કરવા માટે પૂર્ણ રીતે તૈયાર છે.
કેન્દ્રિય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ સ્ટારલિંકના આગમનનું સ્વાગત કરતાં કહ્યું કે, “સ્ટારલિંક એક નવી ટેક્નોલોજી લાવી રહી છે જે દૂર દૂરસ્થ વિસ્તારોમાં પણ ઈન્ટરનેટ કનેક્ટિવિટી માટે આશીર્વાદરૂપ સાબિત થશે.”
સ્ટારલિંકની ખાસિયત એ છે કે તે 500 થી 550 કિમી ઊંચાઈએ ફેરતી નાનકડી સેટેલાઇટ્સ દ્વારા ઈન્ટરનેટ પૂરુ પાડે છે. આ ટેક્નોલોજી ખાસ કરીને એવા વિસ્તારોમાં અસરકારક છે જ્યાં કેબલ અથવા ટાવરવાળી સર્વિસ પહોંચવી મુશ્કેલ હોય છે.
2021માં સ્ટારલિંકે ભારતમાં પ્રી-બુકિંગ શરૂ કર્યું હતું, પણ લાઇસન્સ ન મળતાં તે રોકી દેવું પડ્યું હતું. હવે જ્યારે સરકારનો આર્શિવાદ મળ્યો છે, ત્યારે સ્ટારલિંક ફરી ઝડપથી પગલાં લઈ રહી છે.
જાણવા જેવું છે કે સ્ટારલિંક ભારતમાં રિલાયન્સ જિયો અને એરટેલ-વનવેબ જેવી મોટી કંપનીઓ સાથે સ્પર્ધા કરશે, જોકે કંપનીએ હમણાં જ આ બંને કંપનીઓ સાથે હાર્ડવેર ડિસ્ટ્રિબ્યૂશન અંગે ભાગીદારી પણ કરી છે.
હવે આંતરિયાળ ગામડાંથી લઈ ટોચના ટેક્નોલોજી હબ સુધી, દરેક જગ્યાએ હાઈસ્પીડ ઈન્ટરનેટ પહોંચાડી શકાય તેવી શક્યતા વધતી જાય છે. ઉપરાંત, એમેઝોનની ‘કુઈપર’ પણ ભારતમાં પ્રવેશ માટે તૈયાર છે, જેના કારણે આગામી વર્ષો ભારતીય ડિજિટલ ઈકોસિસ્ટમ માટે નોંધપાત્ર બનશે.
