ઇરાન-ઇઝરાયલ યુદ્ધ: બે કાશ્મીરી વિદ્યાર્થી ઘાયલ, 10,000 ભારતીયોને પરત લાવશે ભારત
ઇરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ આજે ચોથા દિવસે પણ યથાવત છે. આ ઘર્ષણ વચ્ચે, ઈઝરાયલે તેહરાન યુનિવર્સિટી ઓફ મેડિકલ સાયન્સીસ પર હુમલો કર્યો. દુર્ભાગ્યે, આ હુમલામાં અભ્યાસ કરતા બે ભારતીય વિદ્યાર્થી ઘાયલ થયા છે. બંને કાશ્મીરના રહેવાસી છે અને તેઓને સામાન્ય ઇજાઓ થઈ છે.
સૌભાગ્યે, યુનિવર્સિટી તરફથી તરત પગલાં લેવાઈ ગયા. બંને વિદ્યાર્થીઓને રામસર શહેરમાં સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આ પગલાં તેમણે વધુ મુશ્કેલી ન ભોગવે તે માટે લેવામાં આવ્યા છે.
ભારત ચલાવશે વિશેષ રેસ્ક્યૂ અભિયાન
યુદ્ધની સ્થિતિ જટિલ બનતાં, ભારત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યો છે કે, ઈરાનમાં ફસાયેલા તમામ ભારતીયોને પરત લાવવા વિશેષ રેસ્ક્યૂ અભિયાન શરૂ કરવામાં આવશે.
વિશેષ વાત એ છે કે, હાલ ઈરાનમાં લગભગ 10,000 જેટલા ભારતીયો છે, જેમાંથી મોટાભાગે મેડિકલ તથા ધાર્મિક અભ્યાસ માટે ત્યાં ગયેલા વિદ્યાર્થીઓ છે. આ વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે પરત લાવવા માટે અઝરબૈજાન, તુર્કમેનિસ્તાન અને અફઘાનિસ્તાન બોર્ડરના માર્ગો અપનાવવામાં આવશે.
વિદ્યાર્થીઓએ યૂદ્ધ રોકવાની અપીલ કરી
પાછલાં ત્રણ દિવસથી, ભારતના હજારો વિદ્યાર્થી સતત ધડાકાઓ અને હવાઈ હુમલાની વચ્ચે જીવી રહ્યા છે. તેમને ઊંઘ પણ નથી આવી શકતી. શુક્રવાર રાત્રે 2:30 વાગ્યે ભયાનક ધડાકો થયો હતો, જેને લીધે વિદ્યાર્થીઓ ઘબરાઈ ગયા હતા.
આથી, તેમણે બંને દેશોને અપીલ કરી છે કે, યૂદ્ધ થોડા સમય માટે રોકી દે, જેથી તેઓ સુરક્ષિત રીતે ઘેર પરત ફરી શકે. તેમણે ભારત સરકારને પણ અપીલ કરી છે કે, તેમને વહેલી તકે વતન લાવવામાં આવે.
ભારતીય દૂતાવાસે જાહેર કરી સલાહ
દરમિયાન, ઈરાનમાં ભારતીય દૂતાવાસે સલાહ આપી છે કે, બધા ભારતીયોએ ગભરાવાની જરૂર નથી. દૂતાવાસે 24×7 હેલ્પલાઇન શરૂ કરી છે અને ભારતીય સમુદાય સાથે સતત સંપર્કમાં છે.
તેઓએ લોકોના રક્ષણ માટે ખાસ સુરક્ષા માર્ગદર્શિકા જારી કરી છે અને ઈઝરાયલમાં રહેલા ભારતીયો માટે ખાસ સલાહ આપી છે કે, કોઈ પણ બિનજરૂરી હિલચાલ ટાળવી જોઈએ.
દૂતાવાસે સ્પષ્ટ કહ્યું છે કે, “ભારતીયોની સલામતી અમારી પ્રથમ પ્રાથમિકતા છે.”
