ગુજરાતને મળી વધુ એક સેમિકંડક્ટર યુનિટની ભેટ
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકે સાણંદમાં કેયન્સ સેમિકોનના પ્લાન્ટની સ્થાપના માટે મંજૂરી આપી
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનશ્રીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો
ગુજરાત સેમિકંડક્ટર હબ બનવાની દિશામાં વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં ઝડપભેર આગળ વધી રહ્યું છે: મુખ્યમંત્રીશ્રી
ઈન્ડિયા સેમિકંડક્ટર મિશન અન્વયે દેશમાં પાંચ પ્લાન્ટમાંથી ૪ ગુજરાતમાં
કેયન્સ સેમિકોનનો પ્લાન્ટ સાણંદમાં ૩૩૦૦ કરોડ રૂપિયાના રોકાણો સાથે ૬૦ લાખ ચિપ્સ પ્રતિદિન ઉત્પાદન કરશે
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકે ઇન્ડિયા સેમિકંડકટર મિશન અંતર્ગત ગુજરાતના સાણંદમાં વધુ એક સેમિકંડકટર યુનિટની સ્થાપનાની મંજૂરી આપી છે.
આ પ્લાન્ટ કેયન્સ સેમિકોન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રૂપિયા 3300 કરોડના સૂચિત રોકાણ સાથે સ્થપાશે. રોજની 60 લાખ ચિપ્સનું ઉત્પાદન થવાની ક્ષમતા સાથેનો આ પ્લાન્ટ બનશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં વાઇબ્રન્ટ સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમના નિર્માણને વેગ આપવાની પ્રતિબદ્ધતા સાથે વડાપ્રધાનશ્રીએ આપેલી આ વધુ એક પ્લાન્ટની ભેટ માટે સમગ્ર ગુજરાત વતી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાત સેમિકન્ડક્ટર હબ બનવાની દિશામાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની લીડરશીપમાં ઝડપભેર આગળ વધી રહ્યું છે.
આ હેતુસર ૨૦૨૩માં સાણંદમાં માઇક્રોનના પ્રથમ સેમિકન્ડક્ટર પ્લાન્ટની સ્થાપના માટે તેમણે આપેલી મંજૂરી બાદ ફેબ્રુઆરી ૨૦૨૪માં ધોલેરામાં ટાટા ઇલેક્ટ્રોનિક્સના સેમિકન્ડક્ટર પ્લાન્ટ માટે અને સી.જી. પાવરને સાણંદમાં આ પ્રકારના પ્લાન્ટ માટે તેમણે મંજૂરી આપી છે.
હવે કેયન્સ સેમિકંડક્ટર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ગુજરાતનો આ ચોથો પ્લાન્ટ સાણંદમાં સ્થપાશે. આના પરિણામે રોજગારીની તકો પણ વ્યાપક બનશે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં કેન્દ્ર સરકારે ભારતમાં સેમિકંડક્ટર અને ડિસ્પ્લે મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમને વેગ આપવા રૂપિયા ૭૬ હજાર કરોડની જોગવાઈ સાથે ઇન્ડિયા સેમિકંડક્ટર મિશન કાર્યરત કરેલું છે.
અત્યાર સુધીમાં આ મિશન અન્વયે દેશમાં ૩ ગુજરાતમાં અને ૧ આસામમાં એમ ૪ પ્રોજેક્ટસ સ્થાપવાની કામગીરી વેગવંતી બને છે આ બધા જ પ્રોજેક્ટ્સ મળીને અંદાજે ૧.૫૦ લાખ કરોડના રોકાણ સાથે પ્રતિદિન ૭ કરોડ ચીપ્સનું ઉત્પાદન થવાની સંભાવનાઓ છે.