અમદાવાદમાં ગણેશોત્સવની રંગત જામી છે ત્યારે શહેરના વિંઝોલ વિસ્તારમાં સારથી હેરિટેજના યુવાનોએ ‘ આપણું અમદાવાદ’ થીમ પર ગણેશજીની સ્થાપના કરી છે. સારથી મિત્રમંડળ છેલ્લા 3 વર્ષથી દર વર્ષે નવીન થીમ પર ગણેશ પંડાલ બનાવી ગણેશોત્સવ મનાવે છે. ખાસ કરીને આજના આધુનિક યુગમાં જ્યારે પીઓપી અને વિકરાળ સ્વરૂપના ગણપતિની સ્થાપના કરવામાં આવતી હોય છે. ત્યારે આ ગ્રુપના 12 જેટલા યુવાનો 30 થી 35 દિવસ સખત મહેનત કરીને તૈયાર કરે છે ઈકો ફ્રેન્ડલી ગણેશ પંડાલ. સાથે જ પ્રકૃતિને નુકશાન ન પહોંચે તે ધ્યાને રાખી ઈકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે. આ વર્ષે આ યુવાનોએ ‘વર્લ્ડ હેરિટેજ સીટી અમદાવાદ’ ની ઓળખ ગણાતા સ્થાપત્યો તૈયાર કર્યા છે. જેમાં ભદ્રકાળી મંદિર, ત્રણ દરવાજા, ઝુલતા મિનારા, ગાંધી આશ્રમ, પતંગ હોટલ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, એર પોર્ટ, અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા પ્રથમ બ્રિજ એટલે કે એલિસબ્રિજ, સાબરમતી રિવરફ્રન્ટ તથા અટલ બ્રિજ જેવા મોડેલ તૈયાર કરવામાં આવ્યા છે. આસપાસના વિસ્તારોમાંથી લોકો આ અદ્ભુત ગણપતિ તથા પંડાલના દર્શન કરવા ઉમટી પડે છે. સારથી પરિવાર ગણપતિ બાપ્પાની સવાર-સાંજ આરતી કરે છે અને દસમા દિવસે બાપ્પાનું વિધિવત્ સોસાયટીના પ્રાંગણમાં જ કુંડ બનાવી વિસર્જન કરવામાં આવે છે.