ધ્રાંગધ્રાના સોલડીમાં બાયો વેસ્ટ પ્લાન્ટને મંજૂરી ન આપવા વિશાળ રેલી
ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામની સીમમાં બાયો મેડિકલ વેસ્ટ પ્લાન્ટને મંજૂરી આપવાની કવાયત શરૂ થતા ગામની મહિલાઓએ મંજૂરીનો આપોના બેનર સાથે રેલી યોજી વિરોધ કર્યો હતો. સાથે 24 ગામના લોકો અને મિલેટ્રી જવાનોના આરોગ્ય ઉપર ખતરો મંદરાતા નવા જૂનીના એંધાણ વર્તાઈ રહ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર બાયો મેડિકલ વેસ્ટ પ્લાન્ટને મોટી જીઆઈડીસી કે બંજર જગ્યામાં મંજૂરી અપાતી હોય છે.પરંતુ આ પ્લાન્ટમાં ભાજપના મોટા નેતાની ભાગીદારી હોવાનો ગણગનાટ ચાલી રહ્યો છે ત્યારે સોલડી ગામની એકદમ ફ્લદ્રુપ જમીનમાં પ્લાન્ટને મંજૂરી આપવા માટેની કવાયત શરૂ થતા ધ્રાંગધ્રા શહેર સાથે આજુબાજુના 24 ગામડાના લોકોના આરોગ્ય ઉપર ખતરો મંડરાઈ રહ્યો છે.
આ પ્લાન્ટમાંથી નીકળતો ઝેરી ગેસ અને ડસ્ટ આરોગ્ય માટે અને ખેતીના પાક માટે ખુબ નુકસાનકારક છે જેના કારણે આ ગામની મહિલાઓ પણ પ્લાન્ટને મંજૂરી ના આપો ના બેનર સાથે રેલી કાઢી વિરોધ નોંધાવ્યો હતો. બીજી તરફ્ ગુજરાતનો સૌથી મોટો ધ્રાંગધ્રા મિલેટ્રી કેમ્પ સોલડી ગામથી માત્ર 8 કિ.મી જ અંતરે આવેલો છે. જો આ પ્લાન્ટને મંજૂરી આપવામાં આવે તો લોકોના આરોગ્ય, જમીન સાથે ધ્રાંગધ્રા મિલેટ્રી સ્ટેશનના જવાનો અને સેન્સેટીવ આર્મીના ઉપકર્ણોને પણ હાંની પહોચી શકે છે. આમ ચારે તરફ્ વિરોધ બાદ સરકાર દ્વારા કેવી કાર્યવાહી કરાય છે એની સામે સૌની નજર મંડાયેલી છે.