સાઈબર ક્રાઈમ : ભારતીયો સાથે દરરોજ ૬૦ કરોડની ઠગાઈ, દેશવ્યાપી અભ્યાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ
– સાયબર ક્રાઈમ ટ્રેન્ડ: કેન્દ્ર સરકાર દ્વારા દેશવ્યાપી અભ્યાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ
– નેશનલ હેલ્પલાઈન ૧૯૩૦ ઉપર દરરોજ ૬૦,૦૦૦ કોલ, રોજ ૩૭૦૦ ફ્રોડ એકાઉન્ટસ બનાવાય છે: સાયબર ક્રાઈમથી બચવું હોય તો ‘ચેતતા નર સદા સુખી’
– અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચને ઓનલાઈન ચીટિંગ આચરતી વિદેશી ટોળકીના મુળ સુધી પહોંચવામાં સફળતા
– દેશમાં યુ.પી, મહારાષ્ટ્ર પછી ગુજરાત ત્રીજા સ્થાને: ૧.૨૧ લાખ કેસ, ૬૫૦ કરોડની ઠગાઈ
ગુનો અને ગુનેગાર કદીય વિલુપ્ત થતાં નથી, ગુનાખોરીની પધ્ધતિઓ બદલાય છે.
પોલીસ અને ગુનાખોરીની દુનિયાના આ સત્ય વચ્ચે હાલ સાયબર ક્રાઈમ ગુનાખોરી ટોચ ઉપર છે.
તાજેતરમાં ઈન્ડિયન સાયબર ક્રાઈમ કો-ઓર્ડિનેશન સેન્ટર દ્વારા આર્થિક ગુનાખોરીમાં સાયબર ક્રાઈમ ટ્રેન્ડસ અંગેનો એક અહેવાલ જાહેર કરાયો તો ચોંકાવનારો છે.
ચાલુ વર્ષે ઓગષ્ટ મહિના સુધીમાં જ દેશમાં સાયબર ક્રાઈમના ૧૧.૨૧ લાખ ગુના નોંધાયાં છે.
નેશનલ સાયબર ક્રાઈમ પોર્ટલ ઉપર દરરોજ મદદ માંગતા ૬૦ હજાર કોલ અને ૬૦૦૦ ફરિયાદો આવે છે.
ભારતીય નાગરિકો દરરોજના ૬૦ કરોડ જેટલી માતબર રકમ ગુમાવે છે.
ગંભીર બાબત એ છે કે, સાયબર ક્રાઈમની ગુનાખોરી રોકવા માટે પોલીસ એક કિસ્સામાં મુળ સુધી પહોંચે અને આવી ટોળકીને ઝેર કરે ત્યાં સુધીમાં નવા પ્રકારના ગુના સાથે બીજી ડઝનબંધ ટોળકીઓ સક્રિય થઈ જાય છે.
વિશ્વભરમાં ફેલાયેલી સાયબર ક્રાઈમની માયાજાળ એવી છે કે જેનો ભોગ સામાન્ય કે ઓછું જ્ઞાાન ધરાવતાં નાગરિકો જ બને તેવું નથી. ભણેલાં-ગણેલાં અને સાયબર સિક્યુરિટીનું જ્ઞાાન ધરાવતા લોકોને પણ સાયબર ગઠિયાઓ શિકાર બનાવે છે. સાયબર ક્રાઈમ ગુનાખોરી ગુજરાત જ નહીં દેશભરની પોલીસ માટે પડકારરૂપ બની રહી છે. સાયબર ચાંચિયા માટે કોઈ સરહદો નથી એટલે જ ગુજરાત જ નહં દેશભરની પોલીસ સંયુક્ત કામગીરી કરે તે માટે નેશનલ સાયબર ક્રાઈમ પોર્ટલ કાર્યાન્વિત છે. કેન્દ્ર સરકાર સંચાલિક સાયબર હેલ્પલાઈન નંબર ૧૯૩૦ ઉપર દરરોજના ૬૦,૦૦૦ કોલ આવે છે તેમાંથી ૬૦૦૦ જેટલી ફરિયાદો નોંધાય છે. એક અંદાજ મુજબ, સાયબર ક્રાઈમથી દેશમાં નાગરિકો દરરોજ ૬૦ કરોડ રૂપિયા ગુમાવે છે. આંચકારૂપ બાબત એ છે કે, ૫૦ લાખથી વધુ રૂપિયાની ઓનલાઈન છેતરપિંડી થઈ હોય તેવી ફરિયાદોની સંખ્યા જ ૩૫ ટકા જેટલી છે. આવી મોટી રકમ ગુમાવનારાંઓમાં મોટાભાગે ભણેલા ગણેલા લોકો જ હોય છે.
સાયબર ક્રાઈમનો વ્યાપ ભારતમાં એ હદે વધ્યો છે કે, છેલ્લા પાંચ વર્ષમાં પ્રતિ વર્ષ તેમાં વધારો થતો રહે છે. ગુજરાતની વાત કરીએ તો વર્ષ ૨૦૨૩માં ગુજરાત સાયબર ક્રાઈમની ફરિયાદોમાં દેશમાં ત્રીજા ક્રમે રહ્યું હતું. દેશમાં કુલ ૧૧.૨૮ લાખ ફરિયાદો નોંધાઈ હતી. સૌથી વધુ યુ.પી.માં ૧.૯૭ લાખ, મહારાષ્ટ્રમાં ૧.૨૫ લાખ પછી ગુજરાતમાં ૧.૨૧ લાખ લોકો સાયબર ક્રાઈમનો ભોગ બન્યાં હતાં અને ૬૦૦ કરોડ જેટલી રકમ ગુમાવી હતી. એ વાત એલગ છે કે, ગુજરાત પોલીસે નેશનલ હેલ્પલાઈન સાથે સંકલન જાળવીને સીઆઈડી ક્રાઈમ હસ્તક સેન્ટ્રલ કમાન્ડ કન્ટ્રોલરૂમ કાર્યરત કર્યો છે તેનાથી ૫૦ ટકાથી વધુ રકમ ત્વરિત ફરિયાદ થાય તો જે – તે બેન્ક એકાઉન્ટસમાંથી આગળ જતી અટકાવી દેવામાં આવે છે.
દેશભરમાં પહેલી વખત જ અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ઓનલાઈન ચીટિંગ આચરતી વિદેશી ટોળકીના મુળ સુધી પહોંચવામાં સફળતા મેળવી છે. માસ્ટર માઈન્ડ સહિત મુળ તાઈવાનના ચાર નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. એક વર્ષથી ચલાવાતી ઠગાઈની માયાજાળને કાપવામાં અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે સફળતા મેળવી છે. પણ, ચોંકાવનારી બાબત એ છે કે આવી ૫૦ જેટલી ટોળકીઓ દેશ અને વિશ્વમાં સાયબર ઠગાઈ આચરવા માટે સક્રિય છે.
વાસ્તવિકતા એ છે કે, સાયબર ક્રાઈમ ગુનાખોરીનો એવો દરિયો છે કે જેમાં દરરોજ જ નહીં દર મિનિટે નવા- નવા ગઠિયાઓ અને પધ્ધતિ મોજાંની માફક આવતાં રહે છે. સાયબર ગઠિયાઓને અંકુશમાં લેવા માટે ગુજરાત સહિત દેશભરના ૯૩૮ જિલ્લાના કુલ ૧૨૭૨૮ પોલીસ સ્ટેશનો સાયબર ક્રાઈમ પોર્ટલ સાથે જોડવામાં આવ્યાં છે. આમ છતાં, સાયબર ક્રાઈમ ગુનાખોરી રોકવી આસાન નથી. કારણ કે, સાયબર ક્રાઈમની ગુનાખોરી માટે દરેક નાગરિક આસાન ટાર્ગેટ જ છે. સાયબર ક્રાઈમ થઈ જાય પછી ગુનેગાર સુધી પહોંચવું પોલીસ માટે સરળ નથી. ઓનલાઈન ચીટિંગ આચરવા માટે નવા એકાઉન્ટસ કે નવી પધ્ધતિઓ અમલી બનાવવી આ ગઠિયાઓ માટે આસાન બાબત છે. ગુજરાત અને દેશની પોલીસ નાગરિકોના પૈસાની હેરાફેરી અટકાવવા ભાડે આપવામાં આવતાં બેન્ક એકાઉન્ટસ ઉપર પણ ધોંસ બોલાવે છે. પણ, સાયબર ગઠિયાઓ દરરોજના ૩૭૦૦ ફ્રોડ એકાઉન્ટ બનાવીને લોકોને છેતરતાં રહે છે. સાયબર ક્રાઈમ રોકવા માટે ઈન્ડિયન સાયબર ક્રાઈમ કો-ઓર્ડિનેશન સેન્ટર સાથે કુલ ૨૫૭ ઓનબોર્ડેડ સંસ્થાઓ, ૨૪ વોલેટ્સ, ૨૯ મર્ચન્ટસ, બે ઈન્સ્યોરન્સ કંપનીઓ સહિત દેશની કુલ ૩૧૨ સંસ્થાઓ કાર્યરત છે.
સાયબર ગઠિયાગીરી સામે કેન્દ્ર સરકાર માળખું ગોઠવી રહી છે તેમાં દરેક રાજ્યની પોલીસ અને એજન્સીઓ સક્રિય છે. સવાલ માત્ર હવે નાગરિકોની સતર્કતાનો છે. પોલીસ અધિકારીઓ કહે છે કે, જેમ ઋતુ બદલે તેમ બિમારીથી બચવા માટે આપણે આપણાં શરીરની તકેદારી રાખીએ છીએ. તે જ રીતે આપણી મહેનતની કમાણી કોઈ ગઠિયા તાણી ન જાય તે માટે ચેતતા રહેવું આવશ્યક છે. ચેતતા નર સદા સુખી… આ નિયમ સાયબર ક્રાઈમથી બચવાનો શ્રેષ્ઠ ઉપાય છે. અજાણ્યા વ્યક્તિની વાતચિત કે અજાણી લિન્કથી દોરવાઈ ન જવાય તેમજ લોભામણી સ્કીમો કે કાલ્પનિક ભયથી કંઈ ગુમાવવા કરતાં સુખી રહેવા માટે સતર્કતા એ જ શ્રેષ્ઠ ઉપાય છે.
જાયેં તો જાયેં કહાં : દરરોજ દિવસ ઉગે એટલે ઓનલાઈન ચિટીંગની નવી-નવી મોડસ ઓપરેન્ડી
– ડીજીટલ અરેસ્ટ સ્કેમ: કોલ સ્પુફિંગ, કોલ ફ્રોમ પાર્સલ, સીબીઆઈ, એનઆઈએ, ઈડી, એનસીબી, બેન્ક, – રોમાન્સ સ્કેમ. ઓનલાઈન ફસાવીને પૈસા પડાવવામાં આવે છે
– કઈ રીતે ઠગાઈ: ડીજીટલ એડવર્ટાઈઝમેન્ટ (વિદેશથી સંચાલિત), ઓનલાઈન મેસેન્જસ, બલ્ક એસ.એમ.એસ, રિચાર્જ અને ટાસ્ક (વેબસાઈટથી વિથ્ડ્રોઅલ), મ્યુઅલ એકાઉન્ટ બેઝ પેમેન્ટ ઈન અને આઉટ, લેયર્સ ઓફ ક્રાઈમ પ્રોસિડ્સ ઈન બેન્ક મુલ એકાઉન્ટ, ક્રિપ્ટો એસેટ્સ, વોલેટ ટોપ-અપ, એટીએમ અને ચેક વિથ્ડ્રોલ
– સાયબર ગુલામી: આંતરરાષ્ટ્રીય નંબર્સથી ચેટ મેસેન્જર, પ્લેસ્ટોર્સ એપ્લિકેશન્સ, લોનના કોલ અને મંજુરી, ગેમીંગ, રમી, પોન્ઝી સ્કીમ, પાર્ટટાઈમ જોબ નામે ઠગાઈ
– કસ્ટમર કેર નંબર અને એન્ડ્રોઈડ માલવેર: બનાવટી કસ્ટમર કેર નંબર અને સર્ચ એન્જિન, સોશિયલ મીડિયા કોમેન્ટસ ઉપર રિપ્લાય, સોશિયલ મીડિયા ઉપર બનાવટી ફેક કસ્ટમર કેર નંબર, ફીશિંગ વેબસાઈટ ઉપર એપ્લિકેશન ફાઈલ
– એકાઉન્ટ હેક, ટેકઓવર: ફેસબૂક, ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપ હેક થાય, બનાવટી બનાવાય, સેક્સ્ટોર્શન, કેશ ડીપોઝીટ, વિથ્ડ્રોઅલ, ફંડ ટ્રાન્સફર અને બેલેન્સ ઈન્કવાયરી અને બેન્કના એકાઉન્ટસ હેક કરીને છેતરપિંડી, – ફિંગરપ્રિન્ટ અને આધારનંબર મેળવીને. ઠગ ટોળકીઓ ઓફિશીયલ વેબસાઈટમાં ઘુસણખોરી કરીને વિગતો ચોરી લે છે, – ચારધામ હેલીકોપ્ટર સેવાની ટિકિટોના નામે પણ ઓનલાઈન છેતરપિંડી થઈ ચૂકી છે, બિહારથી માસ્ટરમાઈન્ડ પકડાયો હતો.
વર્ષ 2023માં કયા, કેટલા ગુના અને કયા કારણે ?
૪૦ ટકા – કસ્ટમર કેર નંબર, રિફંડના નામે, કેવાયસી એક્પાયર્ડ થયું
૨૪ ટકા – સેક્સટોર્શન
૮ ટકા – એ.ઈ.પી.એસ. ફ્રોડ, બાયોમેટ્રીક ક્લોનિંગ
૨૦ ટકા – ઓનલાઈન બુકીંગ, બનાવટી ફ્રેન્ચાઈઝી, ક્યુઆર કોડ
૮ ટકા – એન્ડ્રોઈડ મોબાઈલ માલવેર
૪૦ ટકા – રોકાણ, ટાસ્ટબેઝ સ્કેમ, ડીજીટલ એરેસ્ટ, ફેડેક્સ સ્કેમ
૨૩ ટકા – લોન એપ્લિકેશન, ગેરકાયદે લેન્ડિંગ
૨૧ ટકા – ગેરકાયદે ગેમિંગ, ટ્રેડીંગ એપ, ક્રિપ્ટો સ્કેમ્સ
૧૦ ટકા – રોમાન્સ સ્કેમ
૬ ટકા – રેન્સમ વેર, હેકીંગ
છેલ્લા ત્રણ વર્ષમાં સાયબર ગુના સતત વધ્યા છે
વર્ષ |
સાયબર ક્રાઈમ પોર્ટલ |
સાયબર પોલીસ પોર્ટલ |
કુલ |
૨૦૨૧ |
૨,૮૧,૫૫,૧૪૦ |
૮,૦૯,૩૪૯ |
૨,૮૯,૬૪,૪૮૯ |
૨૦૨૨ |
૩,૯૪,૬૦,૧૭૨ |
૧૪,૫૬,૪૦૧ |
૪,૦૯,૧૬,૫૭૩ |
૨૦૨૩ |
૪,૭૮,૫૯,૫૪૮ |
૨૨,૦૫,૪૩૯ |
૫,૦૦,૬૪,૯૮૭ |