૨.૫ વર્ષથી ચાલતા યુદ્ધમાં પહેલીવાર યુક્રેનનો રશિયા પર મોટો હુમલો, ૧૦૦ થી વધુ ડ્રોન ત્રાટક્યાં
યુક્રેને રશિયા પર ૧૦૦ થી વધુ ડ્રોનનો મારો ચલાવ્યો હતો. રશિયન એર ડિફેન્સે રવિવારે જણાવ્યું કે, રવિવારે રશિયાના પશ્ચિમી વિસ્તારોમાં ૧૦૦ થી વધુ યુક્રેનિયન ડ્રોનને તોડી પાડવામાં આવ્યા હતા. બીજી તરફ, યુક્રેનના સિટી કિવ રીહમાં રશિયાના બેલિસ્ટિક મિસાઈલ હુમલામાં ૧૭ નાગરિકો ઘાયલ થયા હતા.
અઢી વર્ષ પહેલા શરૂ થયેલા યુદ્ધમાં રશિયા પર આવા મોટા પાયે હવાઈ હુમલાઓ દુર્લભ છે. રશિયન ડિફેન્સ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ૧૧૦ ડ્રોનનો નાશ કરવામાં આવ્યો હતો. રશિયાના સરહદી વિસ્તાર કુર્સ્કને પણ નિશાન બનાવવામાં આવ્યું હતું. જ્યાં, ૪૩ ડ્રોનને તોડી પાડવામાં આવ્યા હતા.
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી ફૂટેજમાં વિસ્ફોટકો બનાવતી ફેક્ટરીની નજીક નિઝની નોવગોરોડ પ્રદેશમાં કરવામાં આવેલા હુમલાને જોઈ શકાતો હતો. યુક્રેન આર્મીએ જણાવ્યું કે, તેમણે આર્ટિલરી દારૂગોળો અને એરિયલ બોમ્બ બનાવતી સ્વેર્ડલોવ ફેક્ટરીને ટારગેટ કરી હતી. લિપોટ્સક પ્રદેશમાં આર્મી એરફિલ્ડમાં ડ્રોને આગ ફેલાવી હતી.
યુક્રેનની વાયુસેનાએ જણાવ્યું કે, રશિયાએ રાતોરાત કુલ ૪૯ ડ્રોન અને બે ઈસ્કેન્ડર-એમ બેલિસ્ટિક મિસાઈલ લોન્ચ કરી હતી. યુક્રેનની રાજધાની કિવ સહિત ૧૨ વિસ્તારોમાંથી ૩૧ ડ્રોનને તોડી પાડવામાં આવ્યા હતા. જ્યારે, અન્ય ૧૩ રડારમાંથી ગાયબ થઈ ગયા હતા. રશિયાએ છેલ્લા અઠવાડિયામાં યુક્રેન પર લગભગ ૮૦૦ એરિયલ બોમ્બ અને ૫૦૦ થી વધુ એટેક ડ્રોન લોન્ચ કર્યા હતા.