સુરતમાં ‘ડ્રગ્સ પાર્ટી’ પર મોટી કાર્યવાહી , ૯ વિદેશી સ્પા ગર્લ સહિત કુલ ૧૪ની ધરપકડથી ખળભળાટ
ગુજરાતમાં દિવસેને દિવસે ડ્રગ્સનું ચલણ વધતું જાય છે. અત્યાર સુધી દારૂની પાર્ટી સામાન્ય પરંતુ જે પ્રમાણે ગુજરાતમાં ડ્રગ્સ કાળો કારોબાર ફૂલીફાલી રહ્યો છે, જેના લીધે હવે ડ્રગ્સ પાર્ટીઓ પણ સામાન્ય બનતી જાય છે.
અંકલેશ્વરમાંથી ૨૫૦ કરોડની કિંમતનું ૪૨૭ કિલો ડ્રગ્સ ઝડપાયું છે, ત્યાં તો ૨૪ કલાકમાં સુરતના મગદલ્લા વિસ્તારમાં ડ્રગ્સ પાર્ટીમાં સીઆઇડીએ રેડ પાડી સ્પા ગર્લ સહિત ૧૪ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરત સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચે બાતમી આધારે મગદલ્લા વિસ્તારમાં આવેલા અમિતકુમાર યાદવ નામના યુવકના મકાનમાં રેડ પાડી હતી.
સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે આ મકાનમાં દારૂ અને ડ્રગ્સ પાર્ટી ચાલી રહી છે.
આ રેડમાં ૯ વિદેશી યુવતીઓ અને ૫ યુવાનોની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં જમીન દલાલ, એન્જિયર સહિતના નોકરિયાત લોકો પાર્ટીમાં જોડાયા હતા.
આ પાર્ટીમાં નવ ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ, ૨૦ ગ્રામથી વધુ ગાંજો અને સાત જેટલી દારૂની બોટલો જપ્ત કરવામાં આવી છે. આ તમામને મેડિકલ ટેસ્ટ માટે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા.
સુરત સીઆઇડી ક્રાઇમે ડ્રગ્સનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. મેડિકલ ટેસ્ટ બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
કોના દ્વારા આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યું હતું. વિદેશી યુવતિઓને કોણે બોલાવી હતી વગેરેને પ્રશ્નોના જવાબ મેળવવા માટે તપાસનો ધમધમાટ શરૂ કરાશે.
ડ્રગ્સની બદીને નાથવામાં ભાજપ સરકાર નિષ્ફળ
ડ્રગ્સની બદીને નાથવા માટે પૂરતો પોલીસ ફોર્સ પણ નથી. કેન્દ્ર સરકારના અહેવાલ અનુસાર દેશના પ્રતિ લાખ જનસંખ્યા પ્રમાણે ૧૯૬ પોલીસ જવાન હોવા જોઈએ. અત્યારે ગુજરાતમાં પ્રતિ લાખ માત્ર ૧૧૭ પોલીસ જવાન છે જે રાષ્ટ્રીય સરેરાશ કરતાં પણ ઓછી સંખ્યા છે. ગુજરાતમાં ડ્રગ્સની બદીને નાથવામાં ભાજપ સરકાર નિષ્ફળ નીવડી છે.
ગુજરાતમાં ડ્રગ્સનો કારોબાર ફૂલ્યોફાલ્યો
મોંઘવારી, બેરોજગારી ઉપરાંત અન્ય કારણોસર સગીર વયના બાળકો, મહિલાઓને ડ્રગ્સની તસ્કરી માટે ડ્રગ્સ માફિયાઓ ઉપયોગ કરી રહ્યા છે. રાષ્ટ્રીય સર્વે અનુસાર ગુજરાતમાં વર્ષ ૨૦૧૮ ના આંકડા પ્રમાણે રાજ્યના ૧૭ લાખ ૩૫૦૦૦ પુરુષો ડ્રગ્સના બંધાણી જયારે ૧ લાખ ૮૫ મહિલાઓ ડ્રગ્સની બંધાણી છે. આ જ દર્શાવે છે કે, ગુજરાતમાં ડ્રગ્સનો કારોબાર ફૂલ્યોફાલ્યો છે.
૫ વર્ષમાં ગુજરાતમાં ઝડપાયું ૯૩૬૯૧ કિલો ડ્રગ્સ
રાજ્યમાંથી હજારો કિલો ડ્રગ્સ પકડાઈ રહ્યું છે ત્યારે ભાજપ સરકાર વાહવાહી લૂંટે છે, પરંતુ પાછલા બારણે કેટલું ડ્રગ્સ વેચાતું હશે તે જનતાને મૂંઝવતો સવાલ છે. આજે ગુજરાત જાણે નશાખોરીનું એપિસેન્ટર બની રહ્યું હોય તેવુ ચિત્ર ઉપસ્યું છે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી અમલમાં છે ત્યારે છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં ૯૩૬૯૧ કિલો ડ્રગ્સ, ૨૨૨૯ લીટર પ્રવાહી ડ્રગ્સ તથા ૭૩૧૬૩ ડ્રગ્સ પીલ્સ-ઇન્જેક્શન પકડાયા છે. આમ, ગુજરાત ડ્રગ્સ તસ્કરીનું સિલ્ક રૂટ બની રહ્યું છે.