અમેરિકામાં ચૂંટણી સમાપ્ત થતાં જ ફરી ગોળીબાર, ઘરમાં ઘૂસીને ધોળા દિવસે ૩ લોકોનાં જીવ લીધા
અમેરિકામાં ચૂંટણી પત્યાને હજુ ગણતરીના જ દિવસો થયા છે ત્યાં પેન્સિલવેનિયામાં એક યુવકે એપાર્ટમેન્ટમાં ઘૂસીને અંધાધૂંધ ગોળીબાર કરતાં અફરાતફરી મચાવી હતી. આ ઘટનામાં 3 લોકોના મોત થયા છે, જ્યારે અન્ય 3 લોકો ઘાયલ થયા હતા.
ફાયરિંગના આરોપીને પોલીસે ઠાર માર્યો
પોલીસે ઘટના સ્થળે પહોંચી ઘાયલોને હોસ્પિટલ પહોંચાડી દાખલ કરાવ્યા હતા. માહિતી અનુસાર પોલીસે ફાયરિંગ કર્યા બાદ ભાગવાનો પ્રયાસ કરી રહેલા ગુનેગારનો પીછો કર્યો હતો. આ દરમિયાન તેણે પોલીસ પર પણ ફાયરિંગ કર્યું હતું, જે બાદ જવાબી ફાયરિંગમાં આરોપીનું મોત થયું હતું.
આરોપીની ઓળખ જાહેર કરાઈ
પેન્સિલવેનિયા સ્ટેટ પોલીસના લેફ્ટનન્ટ કર્નલ જ્યોર્જ બિવેન્સે મીડિયાને જણાવ્યું કે પોલીસે 22 વર્ષીય હુમલાખોર રિકી શેનનને ઠાર કરી નાખ્યો હતો. પોલીસે જણાવ્યું કે ફાયરિંગ બાદ આરોપી ટ્રકની મદદથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આરોપીઓનું એન્કાઉન્ટર કર્યા બાદ પોલીસે ટ્રકની તલાશી લીધી, જ્યાં 19 વર્ષની યુવતીનો મૃતદેહ મળી આવ્યો.
પોલીસે તપાસ હાથ ધરી…
પોલીસે જણાવ્યું કે મૃતક યુવતીનું નામ શેનન લેન્કેસ્ટર છે. તે કાઉન્ટીના માઉન્ટ જોયના એપાર્ટમેન્ટમાં હુમલાખોર સાથે અંદર ગઈ હતી, જ્યાં પરિવારના ત્રણ લોકોને ગોળી મારી દેવામાં આવી હતી. ઘટનાને અંજામ આપ્યા પછી તે વ્યક્તિના એપાર્ટમેન્ટમાંથી બહાર આવી હતી. પોલીસ હાલ તપાસ કરી રહી છે કે ટ્રકમાં પુરુષ સાથે મુસાફરી કરી રહેલી યુવતીને કોણે ગોળી મારી?